જીવના જોખમે સ્ટંટ:સુરતના ડિંડોલીમાં ઓવરબ્રિજની પાળી પર જોખમી રીતે ચાલતાં બે યુવકોનો વીડિયો વાઈરલ થયો

સુરત9 મહિનો પહેલા
બ્રિજની પાળી પર ચાલતા યુવકોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
  • સ્થાનિકોએ બન્ને યુવકોને નીચે ઉતરવા આપેલી સલાહને પણ અવગણાઈ

સુરતના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બે યુવકો પોતાના જીવની ચિંતા કર્યા વિના બ્રિજની પાળી પર ચાલતા હોવાનું નજરે ચડે છે. આ વીડિયો ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ઉતારી લીધો હતો. જે હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ઠપકો આપનારને યુવકોએ અવગણ્યા
સોશ્યલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો અવનવા સ્ટંટ કરતા હોય છે. અને ક્યારેય આવા સ્ટંટ જીવને જોખમમાં પણ મુકે છે. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બે યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં બ્રિજ પર બે યુવકો પાળી પર ચાલી રહ્યા છે. બીજી તરફ ત્યાંથી પસાર થતા લોકોની આ યુવકો પર નજર પડી હતી અને તેને પાળી પરથી ઉતરી જવા માટે ઠપકો પણ આપ્યો હતો. પરંતુ બંને યુવકોએ કોઈ જવાબ આપ્યો ન હતો. બંને યુવકોને જાણે પોતાના જીવની કોઈ જ ચિંતા ન હોય તેમ બ્રિજની પાળી પર જીવના જોખમે ચાલી રહ્યા હતા.

બંને યુવકોને ત્યાં હાજર લોકોએ નીચે ઉતરી જવા સલાહ પણ આપી હતી પરંતુ તેઓ નીચે ઉતર્યા ન હતા
બંને યુવકોને ત્યાં હાજર લોકોએ નીચે ઉતરી જવા સલાહ પણ આપી હતી પરંતુ તેઓ નીચે ઉતર્યા ન હતા

યુવકોના સ્ટંટથી લોકોના જીવ પડિકે બંધાયા
વીડિયોમાં દેખાઈ રહેલા બંને યુવકોને ત્યાં હાજર લોકોએ નીચે ઉતરી જવા સલાહ પણ આપી હતી પરંતુ તેઓ નીચે ઉતર્યા ન હતા. એટલું જ નહી બંને યુવકો કોણ હતા અને તેઓ કોઈ વીડિયો બનાવવા માટે આ કૃત્ય કરી રહ્યા હતા કે કેમ, તે જાણી શકાયું ન હતું. પરંતુ આ પ્રકારના સ્ટંટ ભારે પડી શકે છે અને આવા સ્ટંટમાં જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. ત્યારે આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા લોકોને અપીલ પણ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે.