તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટી કોમર્સમાં ફોર્મ માટે 200ના બદલે 600 લઇ રહી છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં B.Com,BBA સહિત માટે એક જ ફોર્મ ભરવું પડતું હતું

લોકડાઉનથી આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલા વાલીઓ રાહત શોધી  રહ્યા છે. ત્યારે નર્મદ યુનિવર્સિટીએ ચાલુ વર્ષે પ્રવેશ માટે કોમર્સના અલગ અલગ અભ્યાસક્રમો માટે અલગ અલગ ફોર્મ બહાર પાડી વિદ્યાર્થીઓ પાસે રૂ.600 વધુ વસૂલવાની ફરિયાદ ઉઠી છે.

વિદ્યાર્થીઓએ મેરિટ પ્રમાણે એક નહીં તો બીજા કોર્ષમાં પ્રવેશ મળી જતો
કોરોનાએ વાલીઓની હાલત કફોડી કરી છે. વાલીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે અને ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસે નાણા વસુલવાનો નવો કિમીયો અજમાવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ દીઠ રૂ.200 વસુલવામાં આવે છે. હાલ સુધી વિદ્યાર્થીઓએ કોમર્સના અભ્યાસક્રમો બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, એમ.એસ.સી-આઇટી માટે એકજ ફોર્મ ભરવાનું હતું. જેથી આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ રૂ.200 ચુકવવાના હતા. વિદ્યાર્થીઓએ મેરિટ પ્રમાણે એક નહીં તો બીજા કોર્ષમાં પ્રવેશ મળી જતો હતો. જોકે, ચાલુ વર્ષે યુનિવર્સિટીના સત્તાધિશોએ વિદ્યાર્થીઓને રાહત આપવાને બદલ આ અભ્યાસક્રમોના અલગ અલગ ફોર્મ બહાર પાડ્યા છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે યુનિ. રજીસ્ટ્રારને રજુઆત કરી છે. તેમણે જણાવ્યું હતુંકે, અગાઉ આ અભ્યાસક્રમો માટે એક જ ફોર્મ હોવાથી વિદ્યાર્થીઓએ ફોર્મના રૂ.200 ચુકવવા પડતા હતા. જયારે ચાલુ વર્ષે રૂ.800 ચુકવવા પડી રહ્યા છે. આમ જોઇએ તો કોરોના મહામારીના કપરા સમયમાં રાહત આપવાને બદલે યુનિવર્સિટી પ્રવેશ મેળવવા ઇચ્છુક પાસેથી રૂ.600 વધારે લઇ રહ્યા છે. જે અયોગ્ય હોવાથી આ અભ્યાસક્રમોમાં કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી વિદ્યાર્થીઓને બાકીના નાણા પરત આપવાની માંગણી કરી છે. જોકે, વિદ્યાર્થીઓના હિતના આ પ્રશ્ન અંગે  યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રાજેન્દ્ર પટેલને ફોન રિસિવ કરવા સુધીની તસદી લીધી નથી.

અન્ય સમાચારો પણ છે...