• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Students Said That The Time Spent On Ukraine Border Without Food And Drink Can Never Be Forgotten, Whether The Medical Degree Will Be Completed Or Not

37 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા:વિદ્યાર્થીઓએ કહ્યું- ખાધા-પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય, મેડીકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ?

સુરત7 મહિનો પહેલા
યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પરત ફરતા વાલીઓમાં ખુશીનો માહોલ. - Divya Bhaskar
યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પરત ફરતા વાલીઓમાં ખુશીનો માહોલ.
  • યુક્રેનથી પરત આવેલા સંતાનોને વાલીઓએ હર્ષના આંસુ સાથે આવકાર્યા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પરત ફરીને પોતાના ઘરે આવતા ખુશાલીનો માહોલ સ્વાભાવિક રીતે જોવા મળે છે. 37 જેટલા વિદ્યાર્થીઓ આજે સુરત પહોંચતા સર્કિટ હાઉસ ખાતે તેમની રાહ જોતા તેમના વાલીઓને મળતાની સાથે જ ચારે તરફ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક દીકરીને માતા ભેટેલી જોવા મળે તો ક્યાંક પિતાએ પોતાના બાળકને ભેટીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કેટલીક માતાઓ પોતાની જ દીકરીને આલિંગન આપતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ખાધા-પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય, મેડીકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ?

વિદ્યાર્થીઓ દિલ્હીથી ગાંધીનગર થઈ સુરત પહોંચ્યા
વાલીઓને છેલ્લા બે-ત્રણ દિવસથી ચિંતા ખૂબ વધી ગઈ હતી કારણ કે રશિયા દ્વારા જે પ્રકારે યુક્રેનના કેટલાક રેસિડેન્સીયલ વિસ્તારની અંદર પણ હુમલો કરવાની વાતો સામે આવવાની શરૂ થઈ હતી તેને કારણે વાલીઓ ચિંતામાં હતા. વિદ્યાર્થીઓ દિલ્હી થઈને ગાંધીનગર થઈ સુરત પહોંચ્યા હતા.

માતાઓ સંતાનોને ભેટી રડી પડી.
માતાઓ સંતાનોને ભેટી રડી પડી.

બે દિવસ અને એક રાત ખુલ્લા આકાશ નીચે વિતાવી
નેન્સી મારિયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા ચાર દિવસ અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. જ્યારે ખારકીવમાં રશિયા દ્વારા હુમલાઓ વધુ કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે નક્કી કરી લીધું કે હવે તો સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે અને હવે યુક્રેન છોડી દેવાની જરૂર જણાઈ રહી છે. પગપાળા જ વિદ્યાર્થીઓની સાથે પોલેન્ડ બોર્ડર તરફ આગળ વધી ગયા હતા પરંતુ ત્યાં આગળ જે રીતે બે દિવસ અને એક રાત ખુલ્લા આકાશ નીચે વિતાવી હતી.

યુનિવર્સિટી હવે ક્યારે શરૂ થશે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી નથી
વધુમાં જણાવ્યું કે, ખૂબ જ ઠંડીથી કોઈપણ પ્રકારની ખાવા-પીવાની સુવિધા ન હતી છતાં પણ અમે કપરો સમય પસાર કરીને આખરે સુરત આવી ગયા છે. હું થર્ડ યરમાં ભણી રહી છું ત્યારે હવે આગામી દિવસોમાં મારી મેડિકલ ડિગ્રી કેવી રીતે પૂર્ણ થશે તેના ઉપર એક પ્રશ્ન છે અને અમારી યુનિવર્સિટી હવે ક્યારે શરૂ થશે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.

વિદ્યાર્થીઓએ યુક્રેનની સ્થિતિનું વર્ણન કર્યું
વિદ્યાર્થીઓએ યુક્રેનની સ્થિતિનું વર્ણન કર્યું

સ્થિતિ વધુ વણસતી ગઈ
જય દેસાઈએ જણાવ્યું કે શરૂઆતમાં અમારી જે વિસ્તારમાં યુનિવર્સિટી છે ત્યાં ખૂબ જ શાંતિનો માહોલ હતો. તેના કારણે યુનિવર્સિટીના સંચાલકોએ પણ આવી સ્થિતિ કલ્પના કરી ન હતી અને અમારો અભ્યાસ ચાલુ હતો. ચારે તરફથી યુદ્ધની વાતો સંભળાતી હતી પરંતુ ત્યાં ખુબ જ શાંતિ હોવાને કારણે એવો કોઈ ડર અમને લાગતો ન હતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા અને રશિયા દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તેને કારણે યુદ્ધની વધુ સ્થિતિ વણસતી હોય તેવું લાગ્યું અને આખરે અમારી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાની શરૂઆત થઈ હતી.

ભારત સરકારે ખુબ જ સરાહનીય કામગીરી કરી
વધુમાં જણાવ્યું કે, અમે મન બનાવ્યું કે ચારે તરફથી જે પ્રકારના સમાચારો યુદ્ધને લઈને મળી રહ્યા છે ત્યારે યુક્રેન છોડી દેવું જોઈએ અને આખરે અમે ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યો ન હતો છતાં પણ અમે પોલેન્ડ તરફ આગળ વધી ગયા હતા. આખરે ત્યાં અનેક વિદ્યાર્થીઓ કે જેઓ ભારતીય હતા તેમની સાથે અમે પરત ફરવા માટેની આતુરતાથી રાહ જોતા હતા. સરકારે ખુબ જ સરાહનીય કામગીરી કરે છે અને એના કારણે આજે અમારા ઘરે પરત ફરી શક્યા છે.

ભારત સરકાર અને પોલેન્ડવાસીઓના આભારી છીએઃ મૌલિક પેથાણી
યુક્રેનમાં તબીબીક્ષેત્રે MBBS ના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મૌલિક પેથાણીએ જણાવ્યું હતું કે, યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ખાનગી વાહનોમાં 30થી 40 કિ.મી. ચાલીને પોલેન્ડની બોર્ડર પહોચ્યા હતા. પોલેન્ડની હદમાં પ્રવેશવા માટે ખૂબ જ ભીડભાડ હોવાથી તંબુ તાણીને કડકડતી ઠંડીમાં ચારથી પાંચ દિવસ પસાર કર્યા. પોલેન્ડમાં પ્રવેશતા પોલેન્ડવાસીઓ તથા ઈન્ડિયન એમ્બેસીએ ખાવા-પીવા સહિતની તમામ વ્યવસ્થા કરી હતી. કપરી પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા અમોને હેમખેમ વિમાનમાર્ગે દિલ્હી લાવવામાં આવ્યા અને ગુજરાત સરકાર દ્વારા દિલ્હીથી અમારા શહેર સુધી લાવવા સુધીની કરેલી મદદ કયારેય ભૂલાશે નહીં. સુરક્ષિત વતનમાં લાવવા બદલ મૌલિક તથા તેમના પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો.

કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ:ક્રિષા માંગુકીયા
યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખુબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખુબ ચિંતિત હતાં. આજે માતાપિતા અને પરિવારને મળતાં મારી ખુશીનો પાર નથી.

વધુમાં ક્રિષાએ જણાવ્યું કે, યુદ્ધના માહોલમાં ફસાઈ જતા એક સમય એવું લાગ્યું કે, ભારતમાં જીવિત પરત ફરીશું કે નહિ..? યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય દુતાવાસ દ્વારા સિટી છોડવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેથી બસ દ્વારા અમે બોર્ડર પર પહોચ્યાં, પરંતુ ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહીને આગળ જવા માટે યુક્રેનની આર્મી દ્વારા સુચના આપવામાં આવતી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમે ૨૦ કિ.મી ચાલીને બોર્ડર પર જઇ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરતા એમણે સહાય કરી હતી. જેથી અમે સુરક્ષિત વતન પરત ફર્યા છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

ભારત સરકારની મદદ વિના પરત આવવું શક્ય નહોતું: પાર્થ ડાયમા
યુક્રેનમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધગ્રસ્ત માહોલમાંથી સુરત પરત ફરેલા પાર્થ ડાયમાએ જણાવ્યું હતું કે, હું યુક્રેનમાં ટર્નોપિલ શહેરમાં આવેલી ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ કરૂ છું. અમે છેલ્લા 10 દિવસથી યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયેલા હતા. આખરે હેમખેમ ભારત પરત ફરીને પરિવારજનોને મળવાનો અતિ આનંદ છે. અમે યુક્રેનથી તા.24મી ફેબ્રુ.એ બસ મારફતે નીકળ્યા હતા. બોર્ડર પર ઘણી લાંબી લાઈન હોવાથી અમારે 25-30 કિલોમીટર જેટલું ચાલીને જવું પડ્યું હતું. યુક્રેનની બે બોર્ડર પર ઘણી લાંબી લાઈન હોવાથી આગળ જવા મળ્યું નહોતું. ત્યાં અમારા બે-ત્રણ મિત્રો બેભાન થતા તેમને તબીબી સારવાર આપવામાં આવી હતી.

પાર્થે વધુમાં જણાવ્યું કે, આ બોર્ડર પર ત્રણ ચાર દિવસ સુધી નીકળવાની સ્થિતિ ન હોવાથી પરત ફરીને ભારતીય દુતાવાસ દ્વારા કરવામાં આવેલી સગવડથી બોર્ડર પાર કરી પોલેન્ડમાં પ્રવેશ મળ્યો હતો. આ વિકટ પરિસ્થિતિમાં ભારત સરકાર અને દુતાવાસ તરફથી કરવામાં આવેલી મદદ વિના પરત આવવું મુશ્કેલ હતું. જે બદલ તેમણે હૃદયપૂર્વક ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

અમારો સમગ્ર પ્રવાસ સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ થયો: ક્રિષા ગોયાણી
યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને ભારત સરકારની મદદથી ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. સુરતના સગા ભાઈ-બહેન ધ્રુવિલ અને ક્રિષા ગોયાણી એકસાથે સુખરૂપ વતન પાછા ફર્યા હતાં. ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરતી અને યુક્રેનથી સુરત પરત આવેલી 19 વર્ષીય ક્રિષા ગોયાણીએ જણાવ્યું કે, યુદ્ધની શરૂઆત થતા અમે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. યુક્રેનમાં ભારતીય એમ્બેસીમાંથી યુક્રેન છોડવાની સુચના અમને આપવામાં આવતા પહેલા 300-400 કિ.મિ. દૂર શેની બોર્ડેર સુધી પહોંચ્યા હતા. જ્યાં માહોલ ખૂબ જ તંગ હતો, અને રાત્રે માઈનસ ૧૦ ડિગ્રીની ઠંડીમાં અમે રાત પસાર કરી પોલેન્ડ બોર્ડર સુધી 30-35 કિ.મી ચાલતા જવાની નોબત આવી હતી. પોલેન્ડ બોર્ડર પહોચતા અમને પોલેન્ડમાં ભારતીય એમ્બેસી દ્વારા ઉમદા સાથ-સહકાર પ્રાપ્ત થયો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, મારી સાથે મારો ભાઈ ધ્રુવિલ પણ હતો. પરિવારના 2 સંતાન મુસીબતમાં હોવાથી અમારો પરિવાર ચિંતાગ્રસ્ત હતો. શેની બોર્ડર પર ભારતીય વિદ્યાથીઓ સાથે અશોભનીય વર્તન કરવામાં આવતું હતું., ત્યારે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરતા અમને ત્યાંથી આગળ આવવા પરમિશન મળી હતી. અમારો સમગ્ર પ્રવાસ સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ થયો છે, અને અમે આજે પરિવારજનોને મળતા આનંદની લાગણી અનુભવીએ છે. સુરક્ષિત રીતે અમે વતનમાં પાછા લાવવા બદલ હું ભારત સરકારની આભારી છું.