વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા સ્માર્ટ સિટી મિશન હવે આવતા વર્ષે પૂર્ણ થવાનું છે તેની ઉપલબ્ધિ અંગે આ સમિટ થવા જઈ રહી છે અને તેનું યજમાન સુરત બન્યું છે. જે એક સુરતવાસીઓ તરીકે ગૌરવની લાગણી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ સમિટ થઈ રહી છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને દેશભરના 700થી વધુ ડેલિગેટનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં રોજ અલગ અલગ થીમ પર કોન્ફરન્સ થશે અને અલગ અલગ શહેરોમાં થયેલા સારા કામો અંગે ચર્ચા થશે. દેશભરનીના ડેલિગેટને સુરતના જુદા જુદા પ્રોજેક્ટ જેવા કે કિલ્લો, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડુમસ ચોપાટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત મહેમાનો લેશે. છેલ્લા દિવસે રાજ્યના ચારેય સ્થાનિક મંત્રીઓ પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને વિનોદ મોરડીયા તેમજ કેન્દ્રીય મંત્રી દર્શન જરદોશ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
સુરત લીડ કરી રહ્યું છે તેનો લાભ સુરતને મળશે
શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ જણાવ્યું કે, શહેરોમાં સતત વસ્તી વધી રહી છે ત્યારે આ શહેરોમાં સુંદર રીતે સુવિધા આપવા આ મિશન મહત્વનું છે. ગુજરાતમાં 13000 કરોડ રૂપિયાનું ભંડોળ સ્માર્ટ સિટી મિશનને મળ્યું છે. હવે રાજ્યના નાના શહેરોના વિકાસ માટે પણ આયોજન થઈ રહ્યા છે. આખા દેશમાં સુચારુ વિકાસ અને એક તાંતણે બાંધી શકાય તેવા આયોજન વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. તેનું ઉદાહરણ તાજેતરમાં યોજાયેલો માધવપુર મેળો છે. હવે સુરતમાં યોજાનારી સ્માર્ટ સિટી સમિટ તેનો એક ભાગ છે. સુરત જે રીતે લીડ કરી રહ્યું છે તેનો લાભ પણ સુરતને મળશે.
ઇવેન્ટનો ખર્ચ 7થી 8 કરોડ થવાની શક્યતા
કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટનો ખર્ચ 7થી 8 કરોડ થાય તેવી શક્યતા છે. સમિટના સ્થળ સરસાણા કન્વેશન સેન્ટરમાં અલગ અલગ પેવેલિયન હશે. જેમાં એક પેવેલિયન ગુજરાત ગૌરવ તરીકે બનશે. જુદી જુદી રાઇડ હશે. પ્રથમ દિવસે 51 શહેરોને એવોર્ડ આપવામાં આવશે. જેમાં સુરતને 3 એવોર્ડ મળશે અલગ અલગ એવોર્ડ છે. જેમાં પ્રોજેક્ટ અને વિશિષ્ટ કામગીરીના એવોર્ડ હશે. રજીસ્ટ્રેશન હજુ ચાલુ છે તેથી સંખ્યા વધશે. મનપા દ્વારા એક એપ બનાવાઈ છે. તેમાં તમામ માહિતી હશે. ઇન્ટરનેશનલ અને નેશનલ સ્તરના સ્પીકર પણ કોન્ફરન્સ સંબોધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.