શહેરની મધ્યમાં આવેલાં સુર્યપુર અને સબરસ ગરનાળામાંથી વાહન ચાલકો તથા રાહદારીઓ ઉપર ટપકતાં ગંદાં પાણીને રોકવા છેલ્લા 14 વર્ષમાં અવાર-નવાર મોટા ઉપાડે રિપેરિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. હજુ ગયા મહિને જ એક પછી એક 12-12 દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ કરાયેલા બંને ગરનાળામાં સમારકામ કરાયું હોવા છતાં સુર્યુપુર ગરનાળું ગણતરીના દિવસોમાં જ ફરી ટપકતું થઇ ગયું છે.
ગંદા પાણીના લીકેજની સમસ્યા નિવારવામાં રેલવે અને પાલિકા વચ્ચે રમાતી ખો-ખોની રમતના લીધે એક સમયે શહેરના પ્રવેશદ્વાર ગણાતા આ ગરનાળાની સમસ્યા ઠેરની ઠેર રહી છે, જેના કારણે વરાછા, કાપોદ્રા, કામરેજ સહિતના વિસ્તારોના લાખો વાહનચાલકોને રોજની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
24 જુને 12 દિવસ માટે સબરસ ગરનાળું અને તે પછીના ૧૨ દિવસ માટે સુર્યપુર ગરનાળું તબક્કાવાર બંધ કરી સમારકામ કરાયું હતું. રેલવેએ મહાપાલિકાની મધ્યશ્તી વગર જ સમારકામ કરી દીધું હતું. છેલ્લા ૧૪ વર્ષથી આ મામલે પાલિકા તથા રેલવે વિભાગ વચ્ચે ભાગ્યે જ કોઈ સંકલન જોવા મળ્યું છે. 2010માં પાલિકાએ મૂકેલો ગર્ડર પ્રોજેક્ટ પણ નિષ્ફળ ગયો હતો.
સમસ્યા નિવારવી હોય તો પાલિકા બ્રિજ બનાવે
રેલવે વિભાગ દ્વારા ગયા મહિને બંને ગરનળા બંધ રાખી કરેલી કામગીરી માત્ર ગર્ડર ઉપર લાગેલાં કાટની સફાઇ તથા તેના રંગરોગાન માટે જ હતી. રેલવેએ પાણી લીકેજ માટે કોઇ રિપેરિંગ કર્યું નથી. પાણી લિકેજની સમસ્યા નિવારવી હોય તો પાલિકા સબ વે બંધ કરી ઉપરથી બ્રિજ બનાવી શકે છે. - પંકજ હેડેકર, સિવિલ એન્જિનિયર, પશ્ચિમ રેલવે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.