તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળનો 7મો દિવસ:રેસિડન્ટ તબીબોની હડતાળથી સિવિલમાં સાત દિવસમાં 50 દર્દીની સર્જરી અટકી પડી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમાં દર્દીઓ દાખલ ન કરાતા સ્મીમેરનું ભારણ વધ્યું
  • સિનિયર સહિતના 600 તબીબો ડ્યૂટી પર હોય છે, હાલ માંડ 200
  • રોજની 10થી 12 પ્લાન્ડ સર્જરી સામે હાલ માત્ર 3થી 4 સર્જરી જ થાય છે
  • તંત્ર-વિદ્યાર્થી તબીબોના જક્કી વલણનો દર્દીઓ ભોગ બન્યા

નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓની હડતાળ ૭માં દિવસે પણ કોઈ વાટાઘાટ ન થતા યથાવત રહી છે. બીજી તરફ તબીબી વિદ્યાર્થીઓની હડતાળના પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે. તબીબોની અછતના પગલે એકંદરે દર્દીને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે.

રેસિડન્ટ તબીબોની વિવિધ માંગણીઓનોે લઈ છેલ્લા ૭ દિવસથી ચાલી રહેલી હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં ૫૦ જેટલી સર્જરી ટાળવાની ફરજ પડી છે. તો બીજી તરફ ઈમરજન્સી સારવાર પણ પ્રભાવીત થઈ છે. તબીબી વિદ્યાર્થીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જક્કી વલણનો ભોગ હાલ દર્દીઓ બની રહ્યા છે. ત્યારે વહેલી તકે તબીબી વિદ્યાર્થીઓ સાથે અધિકારીઓ ચર્ચા કરી હડતાળનો અંત લાવે તે જરૂરી થઈ પડ્યું છે.

એક તરફ તબીબી વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ ન પુરી થાય ત્યા સુધી હડતાળ સમેટવા તૈયાર નથી તો બીજી તરફ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પણ તબીબી વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે કોઈ ચર્ચા જ કરવા માંગતા ન હોવાના કારણે એકંદરે ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

108એ પણ દર્દીઓને સિવિલમાં લઈ જવાનું બંધ કરી દીધું
સિવિલમાં ૪૦૦ રેસીડેન્ટ ડોક્ટર અને ૧૫૦ ઈન્ટર્ન તબીબ મળી કુલ ૫૫૦ તબીબો હડતાળમાં જોડાયા છે. તેની સામે હાલ હોસ્પિટલના વહિવટી તંત્ર દ્વારા એપી, ટ્યુટર સહિતના ૩૦૦ તબીબો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. દેખીતી રીતે ૫૫૦ તબીબોની કામગીરી માત્ર ૩૦૦ જેટલા તબીબો કરી રહ્યા છે ત્યારે સ્વાભાવીક રીતે દર્દીઓની સારવાર અને દેખરેખ પર તેની સીધી અસર વર્તાઈ રહી છે.

108માં આવતા 50થી વધુ દર્દી સ્મીમેરમાં જવા મજબૂર
૧૦૮ એમ્બ્યુલન્સમાં રોજ ૫૦થી 70 જેટલા દર્દીઓ સિવિલમાં આવે છે. છેલ્લા ૭ દિવસથી ૧૦૮ એમ્બ્યુલન્સને દર્દીઓને સ્મીમેરમાં લઈ જવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

7 દિવસથી ઓપરેશન ખોરંભે
સિવિલમાં રોજ ૧૦થી ૧૨ જેટલી પ્લાન્ડ સર્જરી થતી હોય છે. જોકે છેલ્લા ૭ દિવસથી માત્ર ૩થી ૪ પ્લાન્ડ સર્જરી કરવામાં આવી રહી છે. જેના કારણે ૫૦ જેટલા દર્દીઓની સર્જરી હાલ ટાળવામાં આવી છે.

અમે વાતચીત કરવા તૈયાર છીએ પણ સરકાર તૈયાર નથી
જેડીએના ડો.જીગ્નેશ ગેગડીયાએ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ એકદમ વ્યાજબી છે પરંતુ સરકાર અમારી સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. દર્દીઓની મુશ્કેલી અમે સમજીએ છીએ પરંતુ સરકાર અમારી રજુઆત સાંભળવા પણ તૈયાર ન હોય ત્યારે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

ટાંકા તોડાવવા માટે 4 કલાક અટવાયા
વયોવૃદ્ધ બીપીન વૈધનું થાપાનું ઓપરેશન થયું હતું. સોમવારે સિવિલમાં ટાંકા તોડાવવા આવ્યા તો બે કલાક સુધી રાહ જોયા બાદ ટાંકા સુકાયા ન હોવાનું કહી આવતા અઠવાડિયે ફરી બોલાવ્યા છે.

ડ્રેસિંગ માટે આવેલા વૃદ્ધો ચકક્કર કાપ્યા
નવાગામ ડિંડોલી રહેતા કાળુભાઈને હાથમાં ઈન્ફેક્શન થતાં સોમવારે ટ્રોમાં સેન્ટરમાં ગયા તો ત્યાંથી ઓપીડીમાં મોકલાયા, ઓપીડીમાં સાંજે ૪ વાગ્યે આવવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...