પાંડેસરાની નવસર્જન સ્કૂલમાં ચાલુ પરીક્ષાએ મોબાઈલ સાથે ઝડપાયેલી વિદ્યાર્થિની પાસેથી સંચાલકોએ ફોન જમા લઈ માતા-પિતાને બોલાવવાનું કહેતા ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીએ ફોઇના ઘરે જઇ ફાંસો ખાઇ લીધો હતો. પાંડેસરા રસિક નગર ખાતે રહેતી 16 વર્ષીય શુભાંગીની રવિકિશોર રણદીરેના પિતાના અવસાન બાદ તેની માતા પનાસ ખાતે પિયરમાં રહે છે. શુભાંગીની તેના દાદા દાદી સાથે રહેતી હતી અને ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. બે દિવસ પહેલાં પરીક્ષામાં શુભાંગીની ફોન સાથે લઈ ગઈ હતી.
જેની જાણ સ્કૂલમાં થતા નિયમ મુજબ તેની પાસેથી ફોન જમા લઇને સંચાલકોએ તેને માતા-પિતાને લઈ આવે ત્યાર બાદ મોબાઈલ ફોન આપશે તેવું જણાવ્યું હતું. બીજા દિવસે પણ શુભાંગીની સ્કુલમાં ફોન લેવા માટે એકલી ગઈ હતી. પરંતુ સ્કૂલમાંથી માતા-પિતાને લાવ્યા બાદ જ ફોન આપવામાં આવશે તેવું જણાવાયું હતું. જેથી શુભાંગીની હતાશ થઈ ગઈ હતી.
ત્યાંથી તે ઉધના હરિનગર-2ની પાછળ જલારામ નગર સોસાયટીમાં રહેતા તેના ફોઈના ઘરે જઇ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં સ્કુલમાં મોબાઈલ ફોન જમા લઈ લીધો હોવાથી તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.