વન વિભાગની આડોડાઇને પગલે વરિયાવ રાજ્ય ધોરીમાર્ગ વિસ્તરણ કામગીરી ખોરંભે પડી છે. રસ્તામાં નડતરરૂપ વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગે ન આપતાં વિકાસના કામો છેલ્લા બે-બે વર્ષથી અટક્યાં છે. તેથી જહાંગીરપુરા- વરિયાવથી ગોથાણ રેલવે બ્રિજ થઈ નવી પારડીથી છેક કામરેજ સુગર પાસે હાઇવેને મળતાં આ મહત્ત્વના ધોરીમાર્ગ સાકાર થવામાં ઉપેક્ષા દાખવાઇ રહી છે.
10 વર્ષ પહેલાં વરિયાવ વિસ્તાર પાલિકામાં સમાવાયો હતો
વરિયાવનો વિસ્તાર 10 વર્ષે પહેલાં પાલિકામાં સમાવાયો હતો. રાજ્ય ધોરીમાર્ગ હવે પાલિકા પાસે છે ત્યારે આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય ધોરીમાર્ગને 150 ફૂટનો બનાવવા માટે નક્કી કરાયું છે ત્યારે આ જવાબદારી પાલિકાની છે. રોડ, ગટર, પાણીની લાઈન નાંખવાની કામગીરી જારી હતી પરંતુ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા ઘણાં વૃક્ષો નડતરરૂપ જણાય રહ્યાં છે. મંજુરી વારંવાર મંગાઇ છે પરંતુ વન ખાતા દ્વારા અપાતી નથી. તેથી બે વર્ષથી વિકાસ કામો પર બ્રેક લાગી છે.
સ્થળ વિઝિટ કરી વન વિભાગ સાથે જાણ કરાશે
પાલિકાના ડે.કમિશનર પી એન્ડ ડી ધર્મેશ મિસ્ત્રીએ આ મામલે જણાવ્યું હતું કે, રસ્તાની કામગીરી અટકી છે. છેલ્લા બે વર્ષથી વન ખાતાએ મંજુરી આપી નથી. અગાઉ ઘણી વખત પાલિકાએ વન ખાતાને જાણ કરી છે. કાલે જ વનખાતાને મળી આ મામલે નિરાકરણ લાવવાના પ્રયાસ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.