વેક્સિનેશનની ઝડપ વધશે:સુરતમાં 230 સેન્ટર્સ પર 'ઓન ધ સ્પોટ' નોંધણી કરાવી વિનામૂલ્યે રસીકરણ શરૂ, 18+ના લોકો માટે સેન્ટરનું લિસ્ટ જાહેર

સુરત4 મહિનો પહેલા
  • વેક્સિનેશન મહાઅભિયાનનો આરોગ્ય રાજ્યમંત્રી હસ્તે પ્રારંભ
  • અત્યાર સુધીમાં 14,25,903 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો
  • અત્યાર સુધીમાં 3,03,830 નાગરિકોએ બીજો ડોઝ લીધો

દેશભરમાં આજથી વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 18થી 44 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિનેશન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી રહી છે. આજે સુરતમાં કુલ 230થી વધુ સેન્ટર પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

'ઓન ધ સ્પોટ' નોંધણી કરાવી વિનામૂલ્યે રસીકરણ
21મી જૂન વિશ્વ યોગ દિવસે દેશવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાનના શુભારંભ અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતેથી સુરત શહેરના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ રસીકરણના નિયત કરાયેલા કુલ 230 કેન્દ્રો પર 'ઓન ધ સ્પોટ' નોંધણી કરાવી વિનામૂલ્યે રસીકરણનો લાભ લઈ શકશે.

અંદાજીત 44 ટકા નાગરિકોએ રસીકરણનો લાભ લીધો
શહેરના તમામ 18થી વધુ વયના નાગરિકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાઈ અને કોરોના સામેની લડતમાં સહભાગી બની પોતાને, પરિવારજનો, સમાજ તથા સમગ્ર શહેરને સુરક્ષા કવચ મેળવવાની તક છે. હાલ સુધી 18થી 45 વયના વ્યક્તિઓને કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા રસીકરણ કરાવવામાં આવતું હતું. હવે સ્થળ પર જ નોંધણી કરાવ્યાં બાદ રસી આપી કોરોનાને સંપૂર્ણ નાબૂદ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. આજ સુધી સુરત શહેરના કુલ 14,25,903 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 3,03,830 નાગરિકોએ બીજો ડોઝ લઈ ચૂક્યા છે, જે મુજબ અંદાજીત 44 ટકા નાગરિકોએ રસીકરણનો લાભ લીધો છે.

230 વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયાં
કોઈ પણ નાગરિક વેક્સિનથી વંચિત ન રહે એ માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરને ખાળવામાં કોરોના યોદ્ધાઓ અને દેશવાસીઓના સહકારથી સફળતા મળી રહી છે, ત્યારે સુરતવાસીઓને રસીકરણથી સુરક્ષિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા 25 કેન્દ્રો પર રસીકરણ અભિયાનનો શુભારંભ કરી કુલ 230 વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયાં છે.