• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Son Of A Family Living A Luxurious Life In Surat Was Involved In Theft, The Police Arrested And Solved The Problem Of Theft Of Lakhs.

શ્રીમંત પરિવારનો દીકરો ચોર બન્યો:સુરતમાં કરોડોના બંગલામાં રહેતા પરિવારનો દીકરો ચોરીના રવાડે ચડ્યો, 21 લાખની ચોરી મામલે ધરપકડ

સુરત2 મહિનો પહેલા

સુરતના સિટીલાઇટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા રૂપિયા 21.07 લાખની ચોરી થઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોર કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક પોતે શ્રીમંત અને ખુબ જ સારા ઘરના પરિવારમાંથી આવે છે. કરોડો રૂપિયાના બંગ્લામાં રહે છે છતાં ચોરી કરતો હતો. યુવક ખરાબ મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો.

ઉમરા વિસ્તારમાં થયેલી લાખોની ચોરીનો ઉકેલાયો ભેદ
ગત 19 ઓગસ્ટના રોજ સિટીલાઈટ ખાતે આવેલા નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ઘરમાં ચોરી થઈ હતી. અજાણ્યો યુવક કાચની બારીનું સ્લાઇડિંગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી ડાયમંડ જડિત સોનાના દાગીના મળી કુલ રૂપિયા 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બાંચે માન સરોવર બંગલોઝમાં રહેતા સુમિત રાજપૂતને ઝડપી પાડ્યો.
સુરત ક્રાઈમ બાંચે માન સરોવર બંગલોઝમાં રહેતા સુમિત રાજપૂતને ઝડપી પાડ્યો.

લક્ઝ્યુરિયસ લાઈફ જીવતા પરિવારનો દીકરો
રૂપિયા 21 લાખની ચોરીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ઝડપી પાડેલ સુમિત રાજપુતનું પરિવાર લક્ઝ્યુરિયસ લાઈફ જીવે છે. અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગ્લામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. પિતા નથી પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે. તેમના ભાઈએ સુમિતને ટેક્સટાઇલ વેપારમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તે વ્યવસ્થિત ચાલી ન શકતા બંધ કરી દીધી હતી.

પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યો
પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખરાબ મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પુરા કરવા સારું ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ થયો ન હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો. આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો અને તેણે આ ચોરી કરી હતી.

પોલીસે સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા.
પોલીસે સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા.

પોલીસે રૂપિયા 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના-ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડ રૂપિયા 21 હજાર મળી કુલ 8.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...