તાજેતરમાં મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં બે અસામાજિક તત્વો દ્વારા ચપ્પુ લઇને મહિલા ડેપ્યુટી કમિશનરને ધમકાવવાની ઘટનાએ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં સુરક્ષામાં રહેલા છીંડા ખુલ્લા પાડી દીધા છે. એટલું જ નહીં મહાનગર પાલિકા કમિશનર દ્વારા આ ઘટના મામલે હજુ સુધી વોચ એન્ડ વોર્ડના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાઇ નથી. કમિશનર, મેયરથી લઈ તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધીકારીઓ બેસે છે તે મુગલસરાઇ ખાતેની સિક્યુરીટીની જવાબદારી વોચ એન્ડ વોર્ડ ખાતાની છે, તેમના હસ્તક 100 થી વધુ માર્શલો છે.
24 કલાક 3 પાળીમાં માર્શલો તૈનાત રહે છે. સાથે વોચ એન્ડ વોર્ડના સિક્યુરિટી ઓફિસરો, પુરુષ-મહિલા ગાર્ડ, વગેરે હોય છે. ઉપરાંત સીસી ટીવી કેમેરા લાગ્યા છે. આટઆટલી સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં અસમાજિક તત્વો ચપ્પુ લઈને મહાપાલિકા ના ડે.કમિશનર ગાયત્રી બેન જરીવાલા ની ચેમ્બરમાં ધસી જઇ ચાકૂ બતાવી એક્ઝિક્યુટિવ ઈજનેરને ધમકી આપવામાં આવી હતી. એક મહિલા અધિકારીની સુરક્ષા પાલિકામાં જોખમાઈ તેવી સ્થિતિ સર્જાતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષનો માહોલ છે.
જોકે ભૂતકાળમાં પાલિકામાં કોઇપણ કામ માટે આવતા લોકોની ઓળખાણ કરીને તેમજ તેમને કોને મળવું છે, મળનારની ઓળખ સહિતની વિગતોની નોંધ કર્યા બાદ જ અંદર પાલિકાના પરિસરમાં પ્રવેશ અપાતો હતો. પરંતુ હાલની સ્થિતિમાં મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભાગ શોભાના ગાંઠીયા સમાન દેખાય રહ્યો છે. ચપ્પુ લઇને અધિકારીને ધમકાવવાની ગંભીર ઘટના છતાં કમિશનરે વોચ એન્ડ વોર્ડના જવાબદાર અધિકારી સામે કોઈ કાર્યવાહી હજી કરી નથી.
2019-20માં 24 કરોડ સુરક્ષા પાછળ ખર્ચાયા
મહાનગર પાલિકાની 300થી વધુ મિલકતો, બાગ બગીચા, વોર્ડ, ઝોન ઓફિસોમાં 6 જેટલી એજન્સીઓને સિક્યુરિટી અંગેનો ઇજારો સોંપાયો છે વાર્ષિક અધધધ 32 કરોડની જોગવાઈ છે. વર્ષ 20-21માં 20 કરોડ ખર્ચાયા હતાં. 2019-20 માં 24 કરોડ ખર્ચાયા હતાં જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8.50 કરોડ નો ખર્ચ થઈ ગયો છે. માત્ર સિક્યુરિટી પાછળ જ પાલિકા વર્ષે અધધધ ખર્ચો કરે છે તેમાં પણ ગેરરિતીઓની વ્યાપક ફરિયાદો છે. એટલું જ નહી સિક્યુરીટી ગાર્ડોનું શોષણ થાય છે. તો મુગલસરાઇમાં સિક્યુરિટી તો માત્ર વાહનોના પાર્કિંગ કરાવવા સિવાય બીજુ કોઈ કામ કરતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.