સુરત સત્તાનો સંગ્રામ LIVE:મતદારોને રિઝવવા દિગ્ગજ નેતાઓની દોડધામ વધી, બારકોડવાળી મતદાર સ્લીપમાં વિતરણ તંત્રએ શરૂ કર્યુ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારો દ્વારા સભાઓની સાથે ડોર ટુ ડોર પ્રચાર યથાવત રાખવામાં આવ્યો છે. - Divya Bhaskar
ઉમેદવારો દ્વારા સભાઓની સાથે ડોર ટુ ડોર પ્રચાર યથાવત રાખવામાં આવ્યો છે.

મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો હોવાથી દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા માટે દોડાદોડી કરતાં જોવા મળી રહ્યાં છે. દિગ્ગજ નેતાઓ દિવસમાં મોટા ભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કરી રહ્યાં છે. સાથે જ મતદારોને રિઝવવા એક સ્થળેથી બીજા સ્થળે ઉડાઉડ કરવાની સાથે સાથે મતદારોને મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં આજે ભાજપના સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસના મુકુલ વાસનિક મતદારોને સંબોધવાના છે. તો આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે સભાના આયોજન કરવામાં આવ્યાં છે.બીજી તરફ તંત્ર પણ ચૂંટણીની તૈયારી લાગી ગયું છે. ઘરે ઘરે બારકોડ વાળી મતદાર સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભાજપ પ્રેસ મીટ કરશે
આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ રાજ્યસભાના સાંસદ સુધાંશુજી ત્રિવેદી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. સાથે જ ભાજપ સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા કામોના લેખાંજોખાં પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ત્રિવેદી કોંગ્રેસ પર આકારા પ્રહાર કરે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે.

કોંગ્રેસના વાસનિક મેદાનમાં
અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિક આજે સુરતમાં છે. તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરશે. ત્યારબાદ નેતાઓ સાથે મિટીંગ યોજશે અને સભાને પણ સંબોધિત કરશે. મુકુલ વાસનિક દ્વારા વર્તમાન કેન્દ્ર સરકારની નીતિ રીતિ અને ગુજરાતમાં ચાલતી કામગીરી તથા કોરોનાને લઈને પણ નિવેદન આપવામાં આવશે.

યોગીને જોવા વરાછા બ્રિજમાં લોકો ઉભા રહી ગયા
યોગીને જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમિયાધામ મંદિર સામેના ઝાડ પર અને ડિવાઈડર પર લોકો ૬ વાગ્યાથી જ ચડી ગયા હતાં. બીજી તરફ કાપોદ્રાથી સ્ટેશન સુધીના બ્રિજ પર લોકો ગોઠનાઈ ગયા હતાં. આ ઉપરાંત પી.પી સવાણી હોસ્પિટલની સામેનો બ્રિજ, મોટા વરાછા બ્રિજ પર પણ લોકો ગોઠવાઈ ગયા હતાં.

મતદાર સ્લીપનું વિતરણ
21 નવેમ્બરથી સુરત જિલ્લાની 16 વિધાનસભામાં બારકોડવાળી મતદાર સ્લીપનું વિતરણ શરૂ કરાયું છે. જિલ્લા ચૂંટણી વિભાગે 47,45,980 મતદાર સ્લીપ છપાવી છે. મતદાર સ્લીપનું વિતરણ 25 નવેમ્બર સુધી વિતરણ કરાશે.હાલમાં બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઇને મતદાર સ્લીપનું વિતરણ કરી રહ્યા છે. આમાં ખાસ વાત એ છેકે આ વખતે મતદાર સ્લીપ ફોટાની જગ્યાએ બારકોડ પ્રિન્ટ કરાયું છે. આ બારકોડને સ્કેન કરતાં જ મતદારનું નામ, ઓળખપત્ર નંબર, સરનામું અને વિધાનસભા બેઠક સહિતની તમામ વિગતો મળી રહેશે. મતદાર સ્લીપની પાછળ મતદાન બુથનું ગુગલમેપ પણ અપાયું છે.

બેલેટથી કર્મચારીઓનું મતદાન
ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને તેઓ જે વિધાનસભા મતવિસ્તારના મતદાર તરીકે નોંધાયેલા હોય તેના મતપત્રકો ચાર દિવસ અગાઉ આપી દેવામાં આવે છે. પોતાની પસંદના ઉમેદવારને મત આપી ‘આ મત તેમણે પોતે જ આપ્યો છે’ તેવું બાંહેધરીપત્રક એટલે કે ફોર્મ નં.૧૩ કર્મચારીઓ ભરે છે. આ પોસ્ટલ બેલેટ તેઓ જે તે મતવિસ્તારના રિટનિઁગ ઓફિસરોને આપી દે છે. આગામી તા.૮મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે ત્યારે રિટર્નીંગ ઓફિસર સૌપ્રથમ આ કર્મચારીઓના મતોની ગણતરી કરશે અને તે મુખ્યમતોમાં ઉમેરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...