• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Rule Of Social Distance Or Mask Does Not Apply To C. R.Patil, Protest Of Two Youths With Patil's Banner, Police Detained

વિરોધ:'મોટાભાઈ માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો નિયમ લાગૂ પડતો નથી' તેવા સી. આર. પાટીલના બેનર સાથે બે યુવકોના દેખાવ, પોલીસે અટકાયત કરી

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સી.આર. પાટીલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભંગ કરાયા હોવાના આક્ષેપ સાથે યુવકોએ વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
સી.આર. પાટીલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભંગ કરાયા હોવાના આક્ષેપ સાથે યુવકોએ વિરોધ કર્યો હતો.
  • વરાછાના માનગઢ ચોક ખાતે બેનર સાથે પ્રદર્શન કરનારાને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવાયા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં જાગૃત નાગરિક દ્વારા સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, સામાન્ય લોકો પાસેથી તંત્ર દ્વારા 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી, આવા બેનર સાથે વિરોધ પ્રદર્શન કરનારા બન્ને યુવકોને વરાછા પોલીસે અટકાયત કરી હતી.

સી.આર.પાટીલના ફોટો અને સામાન્ય લોકો માટેના નિયમો સાથેનો વિરોધ કરાયો હતો.
સી.આર.પાટીલના ફોટો અને સામાન્ય લોકો માટેના નિયમો સાથેનો વિરોધ કરાયો હતો.

સામાન્ય વ્યક્તિ પાસેથી દંડ લેવાતા વિરોધ
વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક પાસે ભાવિન પટેલ નામના વ્યક્તિએ સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, મોટા ભાઈ માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી જયારે સામાન્ય નાગરિકો માટે માસ્ક એટલે 1 હજાર રૂપિયાનો દંડ લેવાય છે. વિરોધ નોંધાવનાર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ તેઓ મોતીવાલા પરફ્યુમની ગલીઓ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાએ ત્યાં ધૂળ હોવાથી મેં માસ્ક નીચે પહેર્યું હતું. જેથી પોલીસ વાળાઓએ મને ઘેરીને દંડ વસુલ્યો હતો. મેં અનેક આજીજી કરી હતી.

આજીજી કોઈએ માન્ય ન રાખી
​​​​​​​મારી આજીજી કોઈએ માન્ય રાખી ન હતી. આ ઉપરાંત તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ત્યાં હાજર પોલીસ કર્મીઓએ અન્ય લોકોને ફોન પર વાત કરાવતા જવા દીધા હતા. જ્યારે સામાન્ય વ્યક્તિઓ પાસેથી 1 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો આ ઉપરાંત તેઓએ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ,સી.આર.પાટીલ જાહેરમાં અનેક રેલીઓ કરે છે અને માસ્ક વગર ફરે છે, ત્યારે તંત્ર દ્વારા તેઓની પર કોઈ કેમ કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર સામાન્ય જનતાને જ કેમ દંડ કરવામાં આવે છે.

યુવકોના વિરોધ અંગે જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
યુવકોના વિરોધ અંગે જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

કાયદા બધા માટે સરખા હોવા જોઈએ
જે લોકો માંડ હજાર રૂપિયા કમાતા નથી. તેઓ હજાર રૂપિયા દંડ કેવી રીતે ભરી શકે ? અને કાયદો છે કાયદાનું પાલન કરવું જ પડે, પરંતુ કાયદા બધા માટે સરખા હોવા જોઈએ. માત્ર આમ જનતાને જ કેમ દંડ ભરાવવામાં આવે છે. જયારે નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,. અને જ્યાં સુધી આ નેતાઓ સામે કાર્યવાહી નહિ થશે ત્યાં સુધી તેઓએ આ બેનર લઈને વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ આપી હતી.

વિરોધ કરનારા યુવકોને રિક્ષામાં બેસાડીને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં.
વિરોધ કરનારા યુવકોને રિક્ષામાં બેસાડીને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં.

પોલીસે અટકાયત કરી
વરાછા માનગઢ ચોક પાસે એક વ્યક્તિ સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા વરાછા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિરોધ કરી રહેલા ભાવિન પટેલ નામના વ્યક્તિની વરાછા પોલીસે અટકાયત કરી લીધી હતી. અને તેને લઈને વરાછા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.