રિંગ રોડના ડો. આંબેડકર ફલાય ઓવરના રિપેરીંગનું મુહૂર્ત આખરે નિકળ્યું છે. 9 માર્ચથી 8 મે સુધી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી બ્રિજ બંધ કરવા માટે મથામણો ચાલી રહી હતી.
બ્રિજનો વાહનવ્યવહાર બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જાહેરનામું બહાર પાડી દીધું છે. બ્રિજ બંધ રહેનાર હોવાથી નીચેના રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે. જેથી બ્રિજની બંને તરફે આવેલા રોડ પર કોઇપણ પ્રકારના વાહનો ઉભા રાખવા અને પાર્કિંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ-અનલોડીંગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.
વાહનચાલકો માટે શું છે વૈકલ્પિક વ્યવસ્થા : બ્રિજનું રિપેરીંગ કામ ચાલુ થનાર હોવાથી વાહનચાલકોએ બ્રિજની નીચેના બંને તરફ આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા રહે તે માટે અડાજણ તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનોએ શ્રી ચંદ્રશેખર આઝાદ (જીલાની) રીવર બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત ઉધના દરવાજાથી ખરવરનગર જંકશન થઇ કેનાલ બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરી કામરેજ તરફે જવા માટે અપીલ કરાઇ છે.
બ્રિજની 800 બેરીંગ બદલવા સહિતનું કામ
22 વર્ષ જુના બ્રિજની બેરીંગ ખરાબ થઇ જતાં રિપેર કરવાની આવશ્યકતા ઉભી થઇ હતી. 800 જેટલી બેરીંગ બદલવાની કામગીરી હાથ ધરાશે. 15 કરોડના ખર્ચે બ્રિજને રિપેરીંગ કામ કરવામાં આવશે. રિંગરોડ બ્રિજ ઉપર ટ્રાફિકનું સૌથી વધુ ભારણ હોવાથી બ્રિજ બંધ કરવાને લઇ એન.ઓ.સી મળતી ન હતી.
ઇંડા-નોનવેજ વેચતી દુકાનોએ મંજૂરી લીધી ન હોય તો એપ્રિલથી કાર્યવાહી
પાલિકા સંચાલિત શાકભાજી માર્કેટ અને કતલખાના સિવાયની ખાનગી શાક માર્કેટ, ચીકન-મટન, મચ્છી, ઇંડાની દુકાનો તથા પોલ્ટ્રી ફાર્મના લાયસન્સ ધારકોએ પાલિકાના માર્કેટ વિભાગ પાસેથી પરવાનો લીધો ન હોય અથવા તે રિન્યૂ ન કરાવ્યો હોય તો 1 એપ્રિલથી આવા એકમોના પરવાના રદ્દ ગણી કાર્યવાહી કરવાની પાલિકાએ ચીમકી ઉચ્ચારી છે. કોરોના કાળના લીધે શહેરના મોટાભાગના એકમોએ લાયસન્સ રિન્યૂ કરાવ્યા ન હોવાનું ધ્યાને આવતા પાલિકાએ 1-04-22થી કડક કાર્યવાહી કરવાની રણનીતિ નક્કી કરી છે. પોલ્ટ્રી ફાર્મ ધરાવતા તેમજ શાકભાજી તથા ફળ-ફળાદિની દુકાનો ધરાવતા વિક્રેતાઓને પણ માર્કેટ વિભાગમાંથી લાયસન્સ મેળવી લેવાનો આગ્રહ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.