ગૌરવ:સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર, દેશભરમાં સુરતે બીજો ક્રમ મેળવ્યો

સુરત2 વર્ષ પહેલા
શહેરના નાગરિકો,અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયાસોથી સુરત સ્વચ્છતામાં અવ્વલ(ફાઈલ તસવીર)
  • બે વર્ષથી 14માં ક્રમે ફેંકાયા બાદ બીજો ક્રમ મેળવ્યો

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થયુ છે. જેમાં સુરતે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. છેલ્લા બે વર્ષથી 14માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગ સારું એવું સુધર્યું છે. શહેરનો બીજો ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.

સુરતે સર્વેમાં 5519.59 માર્ક મેળવ્યા
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 6000 માર્કસમાંથી ઈન્દૌરને 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફીડબેકના આધારે આપવામાં આવ્યાં છે.

દ્રઢ નિશ્ચયનું પરિણામ
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સુરતનો ચાર્જ સંભાળતાની સાથે જ સુરત શહેરને સ્વચ્છતામાં ટોપ પર લઇ જવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણના તમામ પાસા ઉપર અવ્વલ આવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણની કરેલી કામગીરીને જોતાં કુલ 6000 માર્કસમાંથી 5200 માર્કસ આવે એવી ગણતરી હતી. જેઅત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને ફાઇ‌વસ્ટાર સિટીનો એવોર્ડ મળ્યો છે. ઓડીએફ ડબલ પ્લસનું સર્ટીફિકેટ પણ મળ્યું છે.

પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો, બીજામાં 20મો ક્રમ મળ્યો હતો
સુરત: સ્વચછતા સર્વેક્ષણ 2020 અંતર્ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ અને બીજા ત્રિ-માસિક સરવેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો અને બીજા ત્રિ-માસિક સર્વેમાં 20મો ક્રમ મળ્યો હતો.

2.87 લાખ લોકોએ સિટીઝન ફીડબેક આપ્યા હતા
સુરત: ઓનલાઇન સિટીઝન ફીડબેક માટે સુરત મહાનગર પાલિકાએ ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો હતો. મેયરથી લઇ તમામ પદાધિકારી, ધારાસભ્યો, સાંસદો ફીડબેક અભિયાનમાં જોતરાઇ ગયા હતા. ફીડબેક અભિયાનના અંતે 2011 ની વસ્તી મુજબ 45 લાખની વસ્તી સામે 287786 લોકોએ જ ફીડબેક આપ્યા હતા. જેમાં ગાઝિયાબાદ, આગ્રા, લખનૌ, વિશાખાપટ્ટનમ અને કાનપુર કરતા શહેર પાછળ રહી ગયું હતું.