ભર ચોમાસે પાણીનો કકળાટ:​​​​​​​સુરતના પુણા વિસ્તારમાં બે દિવસથી પાણી ન આવતા ટેન્કર મંગાવવાની ફરજ પડી

સુરત3 મહિનો પહેલા
ટેન્કર આવતા મહિલાઓ પાણી માટે લાઈનો લગાવે છે - Divya Bhaskar
ટેન્કર આવતા મહિલાઓ પાણી માટે લાઈનો લગાવે છે
  • પાલિકા દ્વારા પીવાના પાણીના ટેન્કર મોકલીને લોકોને સમસ્યા હલ કરવા પ્રયાસ

સુરતના પુણા વિસ્તારમાં ભર ચોમાસે પાણીની સમસ્યા ઉદભવી છે. છેલ્લા બ-ત્રણ દિવસથી આ વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા લોકોને પાણી ન મળતા સ્થાનિક લોકો પાલિકામાં તથા કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેમ છતાં પાણી ન મળતા આજે ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

માત્ર પીવાનું જ પાણી આપવામાં આવે છે.
માત્ર પીવાનું જ પાણી આપવામાં આવે છે.

શાસક વિપક્ષની બેદરકારીના આક્ષેપ
અંજની નગર સોસાયટીના પ્રમુખ જોરુભાઈ સાંડસુરે જણાવ્યું હતું કે, બે દિવસથી પાલિકાનું પાણી આવતું નથી. તેથી અમે સ્થાનિક નેતાઓ અને પાલિકામાં રજૂઆત કરી હતી. શાંતિનિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે, પાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે. 24 કલાક પાણી આપવાની વાત વચ્ચે છેલ્લા 48 કલાકથી અમારી સોસાયટીને પાણીનું ટીપું મળ્યું નથી. જેથી ટેન્કર રાજની સ્થિતિ સર્જાય છે. શાસકો તો ઊંઘે જ છે. પરંતુ વિપક્ષને પણ લોકોની સમસ્યા બાબતે કોઈ જ દરકાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોને ટેન્કર મારફતે મળતું પાણી ખેંચીને ચોથા માળ સુધી લઈ જવાની ફરજ પડે છે.

પાણી માટે મહિલાઓએ કલાકો રાહ જોવી પડે છે.
પાણી માટે મહિલાઓએ કલાકો રાહ જોવી પડે છે.

લાઈનોમાં ઊભું રહેવું પડે છે- ગૃહિણી
ગૃહિણી કિંજલ રાઠોડએ જણાવ્યું હતું કે, અમારે પાણી માટે કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પૂરતું પાણી મળતું નથી. માત્ર પીવાનું પાણી મળ્યું છે. ઘરે છોકરાઓને મૂકીને નીચે આવવું પડે છે. પાણીને ચાર માળ, ત્રણ માળ એમ ઉપર ચડાવવાની ફરજ પડે છે. જેથી અમે હેરાન પરેશાન છીએ. તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...