વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાની 16 બેઠક પર જે ફોર્મ ભરાયા છે. તેમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારો કેટલા ચૂંટણીના જંગમાં અંત સુધીમાં રહે છે. તેનું ચિત્ર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મોટાભાગે અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતાં હોય છે. ત્યારે ગતરોજ આપના પૂર્વ બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં.
કંચન જરીવાલા હટી ગયા
સુરત પૂર્વની બેઠક પર રાણા સમાજને કંચન જરીવાલાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેના દરખાસ્તમાં સલીમ મેમણ સહિતના આપના કાર્યકરોએ કરી હતી. જોકે અચાનક કંચને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે આ બેઠક પર આપ એક રીતે મેદાનમાંથી બહાર નીકળી ગયું છે. ટેકનિકલી વાત કરીએ તો કંચન જરીવાલાના ડમી સલીમ મેમણ ચૂંટણી તો લડી શકશે પણ પક્ષમાંથી નહીં લડી શકે કે તેમને પક્ષનું ચિન્હ પણ નહીં ફાળવી શકાય. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આ ઉમેદવારને ઝાડુનું ચિન્હ આપવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે માંગણી કરતી અરજી કરવામાં આવી છે. જોકે, આજે સાંજે આ ચિન્હ મળે છે કે કેમ તે સ્પષ્ટ થશે.
પહેલા દિવસે 17 ફોર્મ પરત ખેંચાયા
ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠક પર 17 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે.વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેચવા માટેની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે સુરતની 16 વિધાનસભામાં કુલ 17 ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત લીધી હતી. જેમાં આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત લેતા ચર્ચાનો વિષય બન્યા હતો. વિધાનસભા મુજબ જોઇએ તો ઓલપાડમાં 1, માંડવીમાં 1, સુરત પૂર્વમાં 4, સુરત ઉત્તરમાં 1, વરાછા રોડમાં 1, કરંજમાં 1, લિંબાયતમાં 2, મજુરામાં 1, કતારગામમાં 1, સુરત પશ્ચિમમાં 1, ચોર્યાસીમાં 1, બારડોલીમાં 1 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે, આજે આખરી દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.
ભાજપ સ્ટાર પ્રચારકોને ઉતારશે
સુરતના પરપ્રાંતિય વિસ્તારોમાં જાહેરસભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતીય જનતા પાર્ટીમાં મોદી, શાહ અને યોગી બાદ સૌથી વધુ ચર્ચાસ્પદ કોઈ ચહેરો હોય તો નીતિન ગડકરીનો છે. સુરતમાં લાખોની સંખ્યામાં મરાઠી મતદારો છે. ખાસ કરીને લિંબાયત, ઉધના, પાંડેસરા, ડીંડોલી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મરાઠી મતદારો છે. મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવામાં આવશે. જે મરાઠી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. ભાજપ માટે આ મતદારો ખૂબ જ મહત્વના છે અને તેઓ જો ભારતીય જનતા પાર્ટી તરફેણમાં વોટીંગ કરે તો ભાજપને ખૂબ મોટો લાભ થઈ શકે તેમ છે.
112 મતદાન મથકોમાં મહિલાઓ
મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઓકે જણાવ્યુ હતુંકે, સુરત શહેર અને જિલ્લામાં ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આ વખતે ચૂંટણીમાં ૧૧૨ મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત રહેશે. તેવી જ રીતે ૧૬ મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત, ૧૬ મતદાન મથકો મોડેલ પોલીંગ સ્ટેશન, ૧૬ મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી, ૧ મતદાન મથક સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે. મતગણતરી માટે SVNIT કેન્દ્ર ખાતે ૬ વિધાનસભા અને એસ.એસ.ગાંધી કોલેજ ખાતે ૧૦ વિધાનસભા ક્ષેત્રોની મતગણના થશે. આયોજન ભવન સ્થિત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી દ્વારા સ્થાનિક ૧૨ ચેનલો અને ૪ એફ.એમ. ચેનલોનું મોનિટરીંગ કરાઈ રહ્યું છે. આર્થિક લેવડ-દેવડથી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં વાહનોની સઘન તપાસણી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.