છેતરપિંડી:સુરતમાં AK રોડની 3 મિલના માલિકે 155 કર્મીના PFના 19 લાખ ચાઉં કર્યા, વર્ષ 2016-17માં KYCની જરૂર ન હોવાથી ઠગાઈ કરી હતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મિલમાં નોકરી કરતા કર્મીઓને મળતા નામથી નાણાં ઉપાડ્યા હતા

વરાછાના અશ્વીનીકુમાર રોડ વિસ્તારમાં આવેલી ત્રણ મિલના માલિકોએ પોતાને ત્યાં નોકરી કરતા કર્મચારીઓના પીએફના રૂપિયા મળતા નામવાળા ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી. જે અંગે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો છે. ગુનો દાખલ થતા જ મીલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, વરાછામાં અશ્વીનીકુમાર રોડ પર એસ.આર. સિલ્ક મીલ્સ, શ્રી સાંઈબાબા સિલ્ક મીલ્સ અને શ્રી સાંઈ સંતા સિલ્ક મિલ્સ આવેલી છે. વર્ષ 2016-17 પહેલા પીએફ એકાઉન્ટ ખોલવા માટે કેવાયસી ડોક્યુમેન્ટ કે બેંક એકાઉન્ટની જરૂરત ન હતી. ત્યાર બાદ કર્મચારી પીએફના રૂપિયા ઉપાડવા આવે ત્યારે ફોર્મમાં બેંક એકાઉન્ટની જરૂરત રહેતી હતી. તેમાં તંત્રની પારદર્શિતાની ખામીઓનો કેટલાક મીલ માલિકોએ દુરૂપયોગ કરીને એક જ બેંક એકાઉન્ટમાં અલગ-અલગ પીએફ ધારકોના પીએફ મેળવી તેમજ પીએફ ધારકોના એક સરખા મળતા નામનો દૂરૂપયોગ કરીને તે મળતા નામવાળા ખાતામાં નાણાં જમા કરાવીને છેતરપિંડી કરી હતી. જે વાત પીએફ કચેરીના ધ્યાન પર આવી હતી.

પીએફ અધિકારી શશાંક અરૂણભાઈ દલાલ (રહે. ભવિષ્ય નિધિ ભવન, રામ ચોક ,ઘોડદોડ રોડ)એ આ રીતે છેતરપિંડી કરનાર આરોપી એસ.આર.સિલ્ક મીલ્સ, શ્રી સાંઈબાબા સિલ્ક મીલ્સ અને શ્રા સાંઈ સંત સિલ્ક મીલ્સ( તમામ મીલોનું ઠેકાણું, અશ્વીનીકુમાર રોડ, વરાછા)ના માલિકો વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.​​​​​​​ ત્રણેય મીલના માલિકોએ 155 કર્મચારીઓની અરજી પીએફના રૂપિયા ઉપાડવા માટે કરી હતી. તેમાં ખરા સાચા હકદાર કર્મચારીઓના સ્થાને તેમને મળતા નામના કર્મચારીના નામે અરજીઓ કરી હતી. આવી રીતે કુલ 19.43 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ સરકાર સાથે અને સાચા હકદાર કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે. તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...