કોરોના સુરત LIVE:કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર સતર્ક, 171 સેન્ટર પર રસીકરણ હાથ ધરાશે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોના કેસનો આંકડો વધીને 1,44,029 થયો

સુરતમાં કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રોજ વધુ 8 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,029 થયો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ બીજો ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ 171 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 26 થઈ
શહેરમાં 6 અને જિલ્લામાં 2 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144029 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 3 અને જિલ્લામાંથી 1 મળી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141887 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 26 થઈ છે.

ઓમિક્રોન વેરિયન્ટને પગલે તંત્ર એલર્ટ
દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ યુકે સહિત 13 દેશમાંથી 119 લોકો સુરત આવ્યા છે.જેમાં સૌથી વધુ કતારગામમાં 28 અને અઠવામાં 24 લોકો આવ્યા છે. વિદેશથી આવેલા તમામને ક્વોરન્ટાઇન કરી રવિવારે RT-PCR કરાશે તેમ પાલિકા સૂત્રોનું કહેવું છે. છેલ્લાં 5 દિવસમાં વિદેશથી સુરત આવેલા લોકોની યાદી કેન્દ્ર સરકારે રાજય સરકારને સોંપી હતી જે સુરત પાલિકાને સોંપવામાં આવી છે. જેમાં હાઇરિસ્કમાં મુકાયેલા યુકેથી 4, યુએસથી 25, દુબઈથી 27, અબુ ધાબીથી 12, કેનેડાથી 9 લોકો સુરત આવ્યા છે. આમાંથી સૌથી વધુ 14 લોકો કતારગામના છે. જ્યારે 2 ઉધના અને 4 વરાછાના છે. આ તમામને આજે ફરજિયાત કવોરન્ટાઈન કરી આરટીપીસીઆર ટેસ્ટ કરાવાશે. બીજી તરફ શહેરમાં નવા છ કેસ નોંધાયા છે.

24 લાખને બીજો ડોઝ અપાયો
શહેરમાં 37.55 લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. 24.38 લાખને બીજો ડોઝ અપાયો છે. જોકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત 6 લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજો ડોઝ લે તો 1 લિટર તેલના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત 6 લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ 86 રસીકરણ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે.