• Gujarati News
  • Dvb original
  • The Old Man Called The Police Helpline With The Idea Of Suicide, The ASI Saved Him Like A Relative's Son, Now Lives Happily With His Son

પોઝિટિવ સ્ટોરી:આપઘાતના વિચાર સાથે વૃદ્ધે પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો તો ASIએ સગા પુત્રની જેમ સાચવ્યા, હવે પુત્રની સાથે ખુશીથી જીવન જીવે છે

સુરતએક વર્ષ પહેલાલેખક: આશિષ મોદી
  • સુરતના નવાગામના સ્વસ્તિક એપાર્ટમેન્ટના પુરોહિતકાકાને પોલીસકર્મીએ આપઘાત કરતા રોકી ભોજન-દવાનો તમામ ખર્ચ ઉપાડ્યો
  • 2019માં પત્નીના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા વૃદ્ધની 14 દિવસ કાળજી લીધી, આશ્રમમાં અભ્યાસ કરતા પુત્રને બોલાવી સોંપ્યા

સુરત જિલ્લા પોલીસની સુસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઇન નંબર પર એક દિવસ બપોરના સમયે એક ફોન આવ્યો. સામે છેડેથી એક વૃદ્ધે કહ્યું કે સાહેબ... હું ખૂબ કંટાળી ગયો છું. બે ટાઈમ પૂરતું ભોજન પણ નથી ખાઈ શકતો, સાથે-સાથે ડાયાબિટીસ અને બીપીની બીમારી છે, જેની દવા ખરીદવાના પણ પૈસા નથી. પગે સોજા આવી ગયા છે, બાથરૂમ જવું હોય તો પથારીમાંથી ઊભા થઈને ચાલી પણ નથી શકાતું. મારું કોઈ નથી, એકલવાયું જીવન જીવું છું, બસ પીડા સહન નથી થતી... આપઘાતના વિચાર આવી રહ્યા છે. આ ફોન સામે છેડે રિસીવ કર્યો હતો હેલ્પલાઈનના ACP ચન્દ્રરાજસિંહ જાડેજાએ. તેમણે વૃદ્ધને વાતોમાં વ્યસ્ત રાખીને ઘરનું સરનામું પૂછી લીધું. બીજી તરફ, તેમણે ડિંડોલી પીઆઈનો સંપર્ક કરી એક પોલીસ જવાનની મદદથી વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં, ડિંડોલીના ASI નવીનભાઈને આ વૃદ્ધની કાળજી લેવાનું કહ્યું, જેમણે 14 દિવસ સુધી વૃદ્ધની પિતાની માફક સેવા-ચાકરી કરી અને એક દીકરાની જવાબદારી સમજી બે સમયનું ભોજન અને દવાનો તમામ ખર્ચ ઉપાડી લીધો. આમ, ASI નવીનભાઈએ માનવતાનું જીવતું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલ આ વૃદ્ધ તેમના બે દીકરા જોડે વલ્લભવિદ્યાનગર સંતરામ આશ્રમમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

વૃદ્ધના બે દીકરા વલ્લભવિદ્યાનગરમાં આશ્રમમાં રહી અભ્યાસ કરે છે
ASI નવીનભાઈ ચૌધરીએ DivyaBhaskar સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વાત લગભગ 8 ઓક્ટોબરની હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ACP જાડેજાનો પીઆઈ સાહેબ પર ફોન આવ્યો હતો. નવાગામના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં કોઈ વૃદ્ધ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું તેમણે કહ્યું હતું. તાત્કાલિક ડિંડોલી પીઆઈ સાથે એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર જઈને જોયું તો ફોન કરનારા કાકા ઉંમરવાળા હતા. પૂછપરછમાં તેમણે તેમનું નામ જયવદન જાદવજી પુરોહિત(ઉં.વ.58) કહ્યું હતું. 2019માં પત્નીના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા હતા. બે સંતાન વલ્લભવિદ્યાનગરમાં આશ્રમમાં રહી અભ્યાસ કરે છે. એક પુત્ર ટીવાયમાં અને બીજો દીકરો ધોરણ 11માં ભણે છે. બન્ને દીકરાઓ આશ્રમમાં કામકાજ કરી પોતાના ખર્ચા કાઢી રહ્યા છે.

દવાની વાત તો દૂર, ખાવા માટે પણ પૈસા નથી, જીવીને શું કરું: વૃદ્ધ
વૃદ્ધે ASIને વધુમાં જણાવ્યું હતું કે સાહેબ, હું શુગરનો દર્દી છું, સાથે બીપી પણ છે. લોકડાઉન દરમિયાન મરણમૂડી આખી વપરાઈ ગઈ, દવાની વાત તો દૂર, ખાવા માટે પણ પૈસા નથી. જીવીને શું કરું? કોઈ મદદ કરવા તૈયાર નથી, દીકરાઓ પાસે માગી શકું એમ નથી. ઘણા દિવસોથી દવા ન ખાવાને કારણે પગમાં સોજા પણ આવી ગયા છે. કાંઈ સમજ પડતી નથી. આ સાંભળી રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં. ASIએ જણાવ્યું હતું કે મેં તાત્કાલિક નજીકની હોટલમાંથી જમવાનું મગાવી કાકાને ભરપેટ જમાડ્યા. ત્યાર બાદ પૂછ્યું, બોલો કાકા આપઘાતના વિચાર છોડી દો, હવે હું તમારી જવાબદારી ઉપાડીશ, મંજૂર છે. કાકાના મોઢે સ્મિત જોઈ આનંદ થયો. હું પહેલાં તો તાત્કાલિક તેમની દવા લઈ આવ્યો અને તેમને આપી, પછી કાકા ભાવુૃક થઈ ગયા. મારી આંખ પણ છલકાઈ ગઈ હતી.

14 દિવસમાં વૃદ્ધના મનમાં એકપણ વાર આપઘાતનો વિચાર ન આવ્યો
ASIને વધુમાં જણાવ્યું હતું કે બસ, મેં નક્કી કર્યું હતું કે હવે આ કાકાને હું સંભાળીશ ને લગભગ 14 દિવસ સુધી મેં સમયસર એક NGOનાં મહિલાની મદદથી તેમને બન્ને સમય ભોજન જાતે આપવા જતો અને હાલચાલ પૂછી લેતો. કાકા પણ નિખાલસતાથી વાત કરતા થઈ ગયા હતા. આનંદની વાત એ હતી કે 14 દિવસમાં કાકાના મનમાં એકપણ વાર આપઘાતનો વિચાર ન આવ્યો. ત્યાર બાદ મેં તેમના દીકરાઓને મોબાઈલ નંબર પર ફોન કરી આખી હકીકત જણાવી. બસ, એક દીકરો પિતાને પોતાની સાથે રાખવા તૈયાર હતો. તરત મેં તેને સુરત બોલાવ્યો, તેને એક લાચાર પિતા દીકરાને એની આંખ સામે જોઈ ઝૂમી ઊઠ્યા હોય એવો ઉત્સાહનો માહોલ જોઈ રહ્યો હતો.

દીકરો પિતાને સાથે લઈ ગયો
ASIને વધુમાં જણાવ્યું હતું કે દીકરાને સામે જોઈને કાકા ચોંકી ગયા હતા. મારા દીકરાને મારી લાચારી વિશે ખબર પડી ગઈ, પણ દીકરાએ જરા પણ તેના મોઢા પર એ વાતને જાણતો હોય એવા હાઉભાઉ ન બતાવ્યા ને બસ પપ્પા તમારી યાદ આવી એટલે મળવા આવ્યો ને હવે તમે મારી સાથે જ રહેશો, કહી તમને લેવા જ આવ્યો છું. આ સાંભળી કાકાના મોઢે આનંદ જોઈ હું પણ ખૂબ જ હરકમાં આવી ગયો હતો. ભલે આ એક નાનકડી વાત હોય, પણ વૃદ્ધા અવસ્થામાં એક પિતાને દીકરાઓનો પ્રેમ ન મળે તો શું હાલત થઈ એનું જીવતું ઉદાહરણ જોઈ અને સમજી લીધું હતું. બસ, ભગવાનને એક જ પ્રાર્થના કરું છું એક પિતાને આવા દિવસના જોવા પડે એનો ખ્યાલ રાખજે, હું આજથી મારા ધ્યાન પર આવતા આવા વૃદ્ધોની હંમેશાં મદદ કરતો રહીશ.

અન્ય સમાચારો પણ છે...