સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નવા 32 કેસ નોંધાયા હતા. છેલ્લા 10 દિવસમાં 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 103 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 128 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 9 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
શહેરમાંથી નવ વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ સામે આવ્યા હતા. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 22 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી 20થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત રોજ શહેરમાંથી 9 દર્દી કોરોનામુક્ત બન્યા હતા.
202853 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205218 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202853 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.
શરદી, ખાંસી, શરીર દુઃખવું જેવાં લક્ષણો
નવા કેસમાં 11 વર્ષની બાળકીથી લઇ 66 વર્ષના વૃદ્ધ સુધીનાનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી વાળા- વિનાના પણ સામેલ છે. જોકે કોઈ ગંભીર લક્ષણો નથી. શરદી, ખાંસી, શરીર દુઃખવું જેવા લક્ષણો જોવા મળ્યા છે.
વિદ્યાર્થીઓ, ગૃહિણી, પ્રોફેસર સંક્રમિત થયા
નવા કેસમાં વિદ્યાર્થીઓ, ગૃહિણી, પ્રોફેસર, વોચમેન,ટીચર, રીક્ષા ડ્રાઈવર અને ડોક્ટર સહિતનાનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 2 લોકો પણ પોઝિટિવ આવ્યા હોવાનું પણ નોંધાયું છે. 1 વ્યક્તિએ વેક્સીન લીધી નથી.
રોજના 1500થી 1700 કોરોના ટેસ્ટ
હાલ ટેસ્ટિંગ સામે કોરોનાનો પોઝિટિવીટી રેટ 1.47 % છે. શુક્રવારે શહેર જિલ્લામાં નવા 32 કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા રોજના 1500થી 1700 કોરોના ટેસ્ટ થઇ રહ્યા છે. મનપાના ડે. કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) આશિષ નાયકના જણાવ્યા પ્રમાણે 25 ધન્વંતરી રથ કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.