સુરતના પાંડેસરામાં પાડોશીની છત પર કપાયેલો પતંગ લેવા ગયેલી તરુણીને યુવકે રૂ.10નો સિક્કો આપી અંગો પર હાથ ફેરવી કિસ કરી હતી. આ અંગે તરુણીએ જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કરી બાદમાં બનાવ અંગે પિતાને જાણ કરતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી પાડોશી યુવાનની ધરપકડ કરી હતી.
તરુણીએ જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કર્યો
પાંડેસરામાં બે દિવસ અગાઉ મહોલ્લાના નાના છોકરા સાથે રમતી ધો.7મા અભ્યાસ કરતી 12 વર્ષની બાળા કપાયેલો પતંગ લેવા બાજુના ઘરની છત ઉપર ગઈ હતી ત્યારે પાડોશમાં રહેતા 24 વર્ષના અપરિણીત યુવાને તેને રોજના રૂ.10 આપવાની લાલચ આપી છેડતી કરી હતી. આ અંગે તરુણીએ જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કરી બાદમાં બનાવ અંગે પિતાને જાણ કરતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી પાડોશી યુવાનની ધરપકડ કરી હતી.
પિતા નોકરીએ જતાં ત્યારે ઘરે તરુણી એકલી હોય
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ દીકરીઓ વતનમાં રહે છે. જ્યારે સૌથી નાની દીકરી પ્રતિક્ષા ( ઉ.વ.12, નામ બદલ્યું છે ) સુરતમાં તેમની સાથે રહી પાંડેસરા વિસ્તારની સ્કૂલના ધો.7મા અભ્યાસ કરે છે. વતનમાં માતાની તબિયત ખરાબ હોઇ પત્ની ત્યાં રોકાયેલી છે. જેથી પિતા અને પ્રતિક્ષા અહીં એકલાં હોઇ પિતા નોકરીએ જાય ત્યારબાદ પ્રતિક્ષા બપોરે જાતે સ્કૂલે જઈ સાંજે પરત આવી એકલી રહે છે.
પાડોશીની છત પર કપાયેલો પતંગ લેવા ગઈ
ગત બપોરે શ્રમજીવી ઘરે જમવા આવ્યા ત્યારે પ્રતિક્ષાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે તે ઘરની બહાર રમતી હતી. ત્યારે એક પતંગ કપાઈને બાજુમાં રહેતા વિજય બંસલાલ ગૌતમના ઘરની અગાશી પર પડી હતી. જેથી પ્રતિક્ષા તે લેવા માટે સાથે રમતા મહોલ્લાના નાના છોકરા સાથે અગાસી ઉપર ગઈ હતી.
યુવકને ધક્કો મારી તરુણી ભાગીને ઘરે પહોંચી
વિજયે પ્રતિક્ષાને પકડી ખેંચતા નાનો છોકરો નીચે ઊતરી ગયો હતો અને વિજયે પ્રતિક્ષાને મૈં તુઝે રોજ પૈસા દૂંગા તૂ રોજ છત પે ખેલને આના હમ મસ્તી કરેંગે તેમ કહી રૂ.10 નો સિક્કો આપી છાતી ઉપર હાથ ફેરવી હોઠ પર કિસ કરી હતી. આથી પ્રતિક્ષા તેને ધક્કો મારી નીચે ભાગી ગઈ હતી.
છેડતી કરનાર યુવકની ધરપકડ
ગભરાયેલી પ્રતિક્ષાએ જોયેલા સ્કૂલમાં થયેલા પોલીસના અવેરનેસ પ્રોગ્રામને લીધે જાતે જ ચાઈલ્ડ હેલ્પલાઈનને ફોન કરી દીધો હતો. ગત સાંજે ચાઈલ્ડ હેલ્પલાઇનમાંથી આવેલા બે મહિલા કર્મચારીએ પ્રતિક્ષાના પિતા સાથે વાત કરી બાદમાં પોલીસ ફરિયાદ કરવા કહેતા પાંડેસરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 24 વર્ષના અપિરણીત પાડોશી વિજય બંસલાલ ગૌતમની ધરપકડ કરી હતી.
પાંડેસરામાં માસાએ જ દસ વર્ષની ભાણેજની છેડતી કરી
પાંડેસરામાં બે સગી બહેનો ભાડેથી ઘર શોધવા 19મી નવેમ્બરે ગઇ હતી. આ અરસામાં એક બહેન તેની બે સગીર દીકરીઓને તેની બહેનના પતિને સોંપી ગઈ હતી. દરમિયાન માતા જ્યારે ઘરે આવી ત્યારે બાળકીના હોઠ કાળા પડી ગયા હતા. આથી આરોપી માસા, બાળકી અને તેની માતાને લઈ દવાખાને બતાવવા ગયાં હતાં. જો કે બાળકી એટલી ડરેલી હતી કે તે કંઈ બોલવા તૈયાર ન હતી. પછી બાળકી પોતાના ઘરે ચાલી ગયા પછી થોડા દિવસો પછી હિંમત આવી હતી. બાળકીએ પરિવારને જણાવ્યું કે, 19મી નવેમ્બરે મમ્મી અને માસી મકાન શોધવા બહાર ગયાં હતાં. ત્યારે હું સૂતી હતી અને તે વખતે માસાએ છેડતી કરી હતી. માસાએ ધમકી આપી કે, આ વાત કોઈને કરશે તો તારી મમ્મીને જાનથી મારી નાખીશ. જેના કારણે બાળકી ડરી ગઈ હતી. આથી માતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી.
ડભોલીમાં પાડોશીએે બીભત્સ ઇશારા કરી બાળકીની છેડતી કરી
આરોપી જયેશે એક વખત બાળકીની છેડતી કરવાનો પ્રયાસ કર્યા બાદ તેનાં માતા-પિતા તરફથી કોઇ કાર્યવાહી ન કરાતા તેની હિંમત વધી હતી ત્યાર બાદ પણ તેણે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ આ વાત માતાને જણાવી હતી. આખરે બાળકીની માતાએ પતિને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ બાળકીનાં માતા-પિતા જયેશને સમજાવવા ગયાં હતાં. જોકે જયેશે તેમને ગાળો આપી ધમકી આપી હતી. આખરે બાળકીની માતાએ જયેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે જયેશ સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.