જાહેરનામું:પોસ્ટર - પત્રિકા ઉપર પ્રકાશક અને મુદ્રકનું નામ છાપવું જરૂરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી મુદ્દે કલેક્ટરે વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક કરી

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાંઆવી છે. આ ચૂંટણી અંગેના માર્ગદર્શન માટે જિલ્લા કલેકટર આયુષ ઓકે શુક્રવારે રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જાહેરનામા અંગેની જાણકારી આપતા તેમણે પર્યાવરણને હાનિકારક સિંગલ પ્લાસ્ટિક, પોલીથીન જેવી સામગ્રીનો પ્રચારમાં ઉપયોગ નહીં કરવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મુદ્રક પ્રકાશક દ્વારા પ્રકાશન માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જોગવાઇનું પાલન કરવાનું રહેશે. જેમાં પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામા ન હોય એવી પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહિ.

પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતા હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છપાવી કે છાપી શકશે નહિ. પોસ્ટરો કે પત્રિકાઓ છપાઇ ગયા પછી દિન-૩માં મુદ્રકે તે પોસ્ટર પત્રિકાની એક નકલ સાથે એકરારની એક નકલ અત્રેના જિલ્લામાં એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ સેલ ખાતે નિયુક્ત કરાયેલા જિલ્લા આંકડા અધિકારીને મોકલી આપવાની રહેશે.

416 પોસ્ટર અને 409 બેનર દૂર કરાયા
ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણી જાહેર કરતાં જ આચારસંહિતા અમલી બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે આચારસંહિતાનું પાલન શરૂ કરાવી દીધુ છે. સુરત શહેર અને જિલ્લામાં સરકારી ઇમારતો, જાહેર સ્થળો, બસો વગેરે પર લગાવેલા સરકારી જાહેરાતના પોસ્ટર બેનરો અને લખાણો દુર કરાયા છે.

શુક્રવારે શહેર - જિલ્લામાં દિવાલો પરના 479 લખાણ, 416 પોસ્ટરો, 409 બેનરો તથા અન્ય 485મળી કુલ 1789પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ખાનગી દિવાલો પરના 70 લખાણો, 3 પોસ્ટરો, 41 બેનરો તથા અન્ય ૩૫ મળી 149 રાજકીય સામગ્રી દુર કરાઇ છે. જાહેર તથા ખાનગી મિલકતો પરથી 1938 રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...