મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 અંતર્ગત અઠવાલાઇન્સ ચોપાટી ખાતે હરિઓમ આશ્રમ પ્રેરિત અને શહેરના પ્રથમ સ્વિમિંગ પુલના એક ભાગનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું છે. પાલિકાએ સ્વિમિંગ પુલની જગ્યા સુરત મેટ્રોને સોપવાની પ્રક્રિયા શરૂ કરી આગામી 1લી એપ્રિલથી સભ્યોના વિરોધ વચ્ચે સ્વિમિંગ પુલ બંધ કરવાની પણ જાહેરાત કરી દીધી છે ત્યારે હવે નવા સ્વિમિંગ પુલ બનાવવા માટેની તૈયારી હાથ ધરાતા તે પાછળ થનાર ખર્ચ અંગે વિમાસણ ઊભી થઇ હતી. પાલિકાએ હાલમાં જ આર્થિક સ્થિતિ સારી ન હોવાના લીધે આગામી બજેટમાં મેગા પ્રોજેક્ટની બાદબાકી કરી હતી.
ત્યારે નવા સ્વિમિંગ પુલના નિર્માણ પાછળ થનાર આશરે 60 કરોડ રૂપિયા જેટલા ખર્ચનો અંદાજ સામે આવતા આ ખર્ચ કોણ ભોગવશે? તે મામલે પણ વિવાદ થવાના એંધાણ સર્જાયા છે. જોકે પાલિકાના ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર કામિની દોશીએ મેટ્રોના ગોડાઉન માટે સ્વિમિંગ પુલની જગ્યા આપવામાં આવી છે તો નવા નિર્માણ પાછળ થનાર સમગ્ર ખર્ચ પણ GMRC ભોગવશે તેવું જણાવ્યું હતું.
અઠવાગેટ સ્થિત ચોપાટી સ્વિમિંગ પુલની જગ્યા સુરત મેટ્રોના ગોડાઉન માટે સુપરત કરવાની હોવાની કવાયતને પગલે સ્વિમિંગ પુલના સભ્યોમાં ભારોભાર રોષ ફેલાયો હતો. મંગળવારે સભ્યોએ સ્વિમિંગ પુલની બહાર જ બેનરો દર્શાવી જમીન સોપવાની પ્રક્રિયા સાથે શહેરના પ્રથમ સ્વિમિંગ પુલની બલિ ચઢાવી વિકાસ કરવાની પ્રક્રિયા સામે દેખાવ કર્યાં હતાં. સભ્યોએ તાકીદે આ પ્રક્રિયા રોકી સુરતનો પ્રથમ બાળ સ્વિમિંગ પૂલ ઐતિહાસિક ધરોહર સમાન હોય તેને બચાવવાની માગ કરી હતી. તેમણે આ પુલથી શહેરના બાળકોએ રાષ્ટ્રિય ફલક સુધી મેડલ પ્રાપ્ત કર્યાં હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.