તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Will Bear The Cost Of Treatment Of The Patient With The Help Of 1 1 Lakh To The Families Of 6 People Who Died Due To Contaminated Water In The Harsh Of Surat.

સહાય:સુરતના કઠોરમાં દૂષિત પાણીથી મોતને ભેટેલા 6 લોકોના પરિવારજનોને 1-1 લાખની સહાય સાથે દર્દીના સારવારનો ખર્ચ પાલિકા ઉઠાવશે

સુરત22 દિવસ પહેલા
રોગચાળાથી પાલિકાનું તંત્ર કઠોર ગામમાં દોડી આવ્યું હતું.
  • દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી જતા 100થી વધુ લોકો માંદગીના બિછાને છે

સુરતમાં સમાવિષ્ટ થયેલા કઠોર ગામમાં પીવાના દૂષિત પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર થયા છે. સાથે જ ત્રણેક દિવસમાં છ લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.રોગચાળાના પગલે સુરત કોર્પોરેશન દોડતું થયું છે. કઠોર ખાતે શહેરના મેયર હેમાલી બોઘાવાલા, સમિતિના અધ્યક્ષ અને હાઇડ્રોલિક વિભાગના એન્જિનિયરો પહોંચ્યા હતા. મેયર હેમાલી બોઘાવાલાએ મૃતક પરિવારજનોને અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મૃતકના પરિવારોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, તેમજ સારવાર હેઠળના તમામ દર્દીઓનો સારવારનો ખર્ચ ચૂકવવાની વાત કરી હતી.

આરોગ્ય વિભાગ સહિતની ટીમે કઠોરમાં કામગીરી શરૂ કરી દીધી છે.
આરોગ્ય વિભાગ સહિતની ટીમે કઠોરમાં કામગીરી શરૂ કરી દીધી છે.

ગામમાં ભયનો માહોલ
કોર્પોરેશનના સમાવિષ્ટ વિસ્તાર કઠોર ગામમાં દૂષિત પાણીના કારણે એકાએક આખું ગામ દહેશતમાં આવી ગયું હતું. ગણતરીના કલાકોમાં ગામના કેટલાક લોકોની તબિયત એકાએક જ લથડી હતી. લોકો સમજે તે પહેલા સ્થિતિ ખૂબ જ વણસી હતી. જેથી તાત્કાલિક અસરથી કઠોર ગામના લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.વિવેકનગર કોલોનીનાં વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડવાનાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પ્રદૂષિત પાણી ભેગુ થવાના કારણે પીવાનું પાણી પ્રદૂષિત થતા તે પાણી પીવાના કારણે કઠોર રેફરલ હોસ્પિટલમાં 19 બાળકો,19 સ્ત્રી,10 પુરૂષો અને લોખાત ખાનગી હોસ્પિટલમાં 11 બાળકો,15 સ્ત્રી, 3 પુરૂષો મળી કુલ 77 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

પાણીની નવી લાઈન નખાશે
મેયર હેમાલી બોઘાવાલા કહ્યું કે, કોર્પોરેશનની ટીમના સંબંધિત તમામ અધિકારીઓ કામે લાગી ગયા છે. જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. તાત્કાલિક અસરથી પીવાના પાણી માટેની નવી લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.તેમજ પરિવારજનોની અમે સાથે છીએ. સારવાર હેઠળ જે દર્દીઓ છે તેમનો સારવારનો તમામ ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે અને આવી ઘટના ન બને તેના માટે ખાસ તકેદારી રાખવા માટે કોર્પોરેશનના અધિકારીઓને પણ ટકોર કરી છે.

રોગચાળાના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.
રોગચાળાના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.

મૃતકના નામ
1) હરેશભાઈ શંકરભાઈ રાઠોડ
2)મોહનભાઈ છોટુંભાઈ રાઠોડ
3)તનય અનીલભાઈ રાઠોડ
4)ગેમલભાઈ વસાવા
5)શાંતાબેન ઈશ્વરભાઈ સોલંકી
6) વિજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી

અકસ્માત મોતનો ગુનો દાખલ, પાલિકાએ પીવાના પાણીના 57 નમૂના લેતા 7 અનફિટ
વિવેક નગર તથા નહેર કોલોની ફળીયામાં દુષિત પાણી પીવાથી 6 લોકોનાં મોતને પગલે રેન્જ આઇજી સુરત રાજકુમાર પાંડિયને સ્થળ વિઝિટ કરી હતી.મોતનું કારણ જાણવા સરકાર તરફે ફરિયાદી બની કામરેજ પીઆઇ.ને સુચનાં આપતા કઠોર આઉટ પોસ્ટમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. બીજી તરફ પાલિકા દ્વારા વિવિધ સ્થળોથી પીવાના પાણીના 57 નમુના લઇ સર્વે હાથ ધર્યો હતો. જેમાંથી 7 નમૂના અનફીટ આવ્યા છે. અસરગ્રસ્ત સોસાયટીના લોકો બોરમાંથી પાણી લેતા હતા. ડ્રેનેજની લાઇન લીકેજ થતા પીવાના પાણીમાં મિશ્ર થતા રોગચાળો ફાટી નિકળ્યો હતો.

​​​​​​​તાકીદે બંને સોસાયટીમાં પીવાની પાણીની લાઇન બંધ કરી પાલિકાએ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાનું શરૂ કર્યું છે. ફોલ્ટ મળતા રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ હતી. 12 મેડીકલ ટીમ મૂકાઇ છે. 95 ઝાડા ઉલ્ટી કેસમાં 15થી 45 વર્ષના હોવાની માહિતી સાંપડી છે. કઠોરમાં 2016માં આવી જ ઘટના બની હતી.