ચકચાર:પાલિકા ફાયર સ્ટેશન માટે પાંડેસરામાં પ્લોટ જોવા ગઈ, ત્યાં દારૂના અડ્ડા મળ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની ટીમે શુક્રવારે દારૂના અડ્ડાનું તાબડતોબ ડિમોલિશન કરી પ્લોટ ખુલ્લો કર્યો હતો. - Divya Bhaskar
પાલિકાની ટીમે શુક્રવારે દારૂના અડ્ડાનું તાબડતોબ ડિમોલિશન કરી પ્લોટ ખુલ્લો કર્યો હતો.
  • દારૂના અડ્ડા જોઈ ડેપ્યુટી કમિશનરે કંટ્રોલને બે વાર કોલ કર્યા, 25 મિનિટે પોલીસ આવી પછી દબાણરૂપી દારૂના અડ્ડા તોડી પડાયા, બુટલેગરો ત્યાંથી જ ભાગી છૂટ્યા

શહેરના પાંડેસરા વિસ્તારમાં ફાયર સ્ટેશન હેતુ માટે પ્લોટ જોવા ગયેલી પાલિકાના અધીકારીઓની ટીમે પાલિકાના પ્લોટ પર દારૂનો ગેરકાયદે અડ્ડો ધમધમતો જોતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. નવાઈની વાત એ છે કે, આ સ્થળથી માંડ 5 મિનિટના અંતરે પાંડેસરા પોલીસ મથક છે. બાદમાં પાલિકાની ટીમે અડ્ડાનું ડિમોલિશન કરી પોલીસને જાણ કરી હતી.

પાંડેસરામાં બેંક ઓફ બરોડાની બાજુમાં પાલિકાની માલિકીનો પ્લોટ છે, જેમાં જૂનું ફાયર સ્ટેશન હતું તેને ઉતારી પાડવામાં આવ્યું હતું. હાલમાં પાલિકાનો આ પ્લોટ રેકોર્ડ પર ખુલ્લો જ હતો. શુક્રવારે સવારે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર એન.વી. ઉપાધ્યાય, ઉધનાના એડીશનલ સીટી ઇજનેર ડી.સી. ભગવાગર, એક્ઝિક્યુટિવ ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતના અધિકારીઓની ટીમ આ પ્લોટની સાઇટ વિઝિટ માટે ગઈ હતી. આ વિસ્તારમાં પાલિકા નવું ફાયર સ્ટેશન બનાવવા માંગતી હોવાથી જુદા જુદા પ્લોટ જોઈ રહી હતી, જેમાં આ પ્લોટની વિઝીટ રાખી હતી.

દરમિયાન અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચતાં પ્લોટ પર અને આજુ બાજુ બેરોકટોક દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાનો નજારો જોવા મળતાં ચોંકી ઉઠ્યા હતા. અધિકારીઓની ટીમને જોતાં જ ત્યાં નાસભાગ મચી ગઇ હતી અને દેશી-ઇગ્લીશ દારૂના પોટલાં જેમના તેમ છોડીને બુટલેગર સહિતના લોકો ભાગી છૂટયા હતા. પાલિકાની માલિકીનો પ્લોટ હોવાથી અડ્ડા માટેની કેબિનોનું ઉધના ઝોને તાબડતોબ ડિમોલિશન હાથ ધર્યું હતું.

પાલિકાની ટીમે પોલીસના સહકાર માટે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જો કે, પોલીસ સ્ટેશન 5 મિનિટના અંતરે હોવા છતાં 25 મિનિટ સુધી પોલીસ આવી ન હતી. ફરી કોલ કરાયો ત્યારે ત્યાંથી પીઆઇને જાણ કરવામાં આવી હોવાનું કહેવાયું હતું. ત્યાર બાદ તુરંત પોલીસ આવી હતી અને દારૂના પોટલાં કબ્જે કર્યાં હતાં, તેવું પાલિકાએ જણાવ્યું હતું.

પોલીસની શંકાસ્પદ ઢીલી કામગીરી મુદ્દે પાલિકા તંત્રમાં કચવાટ
પાલિકાના પ્લોટ ઉપર અનઅધિકૃત કેબિનો સહિતના બાંધકામ તાણીને દારૂનો અડ્ડો ધમધમતો હતો. કંટ્રોલમાં બે કોલ કરીને જાણ કરવા છતાં પોલીસ 25 મિનિટ બાદ આવી હતી. બાદમાં ઉધના ઝોને કેબિનો સહિતના બાંધકામનું ડિમોલિશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...