આરોગ્ય વિભાગની રેડ:સુરતમાં સુમુલ, ચોર્યાસી, વિજય ડેરી, જમનાદાસ, 24 કેરેટ, કૈલાસ, મોહન મિઠાઈમાંથી ઘારીનાં નમૂનાં લેવાયાં, રિપોર્ટ 14 દિવસે આવશે

સુરતએક મહિનો પહેલા
પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.
 • ગુરુવારે ચંદની પડવા નિમિત્તે દોઢ લાખ કિલો ઘારી વેચાશે, ભેળસેળવાળી છે કે નહીં તે તપાસવા પાલિકાએ નમૂનાં લીધા
 • મિઠાઈ-ઘારીની આ 14 સંસ્થા-ડેરીઓમાંથી 28 સેમ્પલ લેવાયાં

ચંદની પડવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે મંગળવારે પાલિકાના ફૂડ ખાતાએ શહેરની નામાંકિત મિઠાઈ-ઘારીની 14 દુકાનો-ડેરીઓ પર તપાસ હાથ ધરી હતી. સુમુલ, ચોર્યાસી, વિજય ડેરી તેમજ જમનાદાસ ઘારીવાલા, 24 કેરેટ મિઠાઈ, કૈલાસ, મોહન મિઠાઈ સહિતની સંસ્થાઓમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે આકસ્મિક ચેકિંગ કરી તૈયાર ઘારીના 28 નમૂનાં લઈ પાલિકાની લેબોરેટરી ખાતે મોકલાયા હતા. જો કે, તેનો રિપોર્ટ એક-બે અઠવાડિયા પછી જ આવશે.

પાલિકાએ 2019માં ચીફ ફૂડ એનાલિસ્ટ ની ભરતી પણ કરી હતી છતાં આધુનિક લેબના અભાવે લોકો ખાદ્યપદાર્થો ખાઈ લે છે ત્યાર બાદ તેનો રિપોર્ટ આવે છે. અગાઉ તો તમામ સેમ્પલો ભૂજ, રાજકોટની સરકારી લેબમાં મોકલાતા હતાં, જેમાં 3 દિવસના ટ્રાવેલિંગમાં નમૂનાંને નુકસાન થતું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

આરોગ્ય વિભાગની કામગીરી
ઘારી બનાવવાની પદ્ધતિ અન્ય મીઠાઈઓ કરતા ખૂબ જ અલગ પ્રકારની છે. ભૂતકાળમાં ઘણા કિસ્સાઓમાં ઘારી બનાવવા માટે વપરાતા માલની ગુણવત્તા યોગ્ય ન હોવાનું પણ સામે આવ્યું હતું. સુરતીઓ ઘારી ખાવાનો ક્યારેય ચૂકતા નથી. તેને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં સુરતમાં સાથોસાથ દેશ-વિદેશમાં પણ ઘારીનું વેચાણ થાય છે. વિશેષ કરીને ઘારી બનાવવા માટે જે ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેની પણ ખાસ તપાસ કરવામાં આવ્યો છે. કારણ કે ભેળસેળવાળું ઘી લોકોના આરોગ્ય ઉપર મોટી આડ અસર ઊભી કરી શકે છે. તેમજ કેસર અને પિસ્તા પ્રકારની ઘારીઓમાં કલરનો પણ વધુ પડતો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવતું હોય છે.આ તમામ બાબતોની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

ઘારીના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
ઘારીના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.

અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી
આસિસ્ટન્ટ આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિસ્તારોની અંદર જઈને નમૂના લેવાની કામગીરી શરૂ કરી છે. જે પણ નમુનાની અંદર ભેળસેળ દેખાઈ આવશે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેણે તૈયાર કરેલો માલ પણ ત્યાં જ નાશ કરી દેવામાં આવશે. લોકો ખૂબ જ મોટા પ્રમાણમાંની ચંદની પડવાના દિવસે ઘારી આરોગતા હોય છે ત્યારે આ વખતે માત્રને માત્ર ઘારીના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.જેથી કરીને ઓછા સમયમાં વધારે વિસ્તારમાં કામ થઈ શકે.

કેન્દ્ર સરકારની વારંવાર ટકોર હોવા છતાં સિસ્ટમ સુધારવામાં પાલિકાની બેદરકારી
નમૂના સ્ટાન્ડર્ડ છે, સબ સ્ટાન્ડર્ડ છે કે ફેઇલ છે તેનો લેબ રિપોર્ટની જાણ તો 14 દિવસ પછી જ થશે. આજે પણ ફૂડ એનાલિટિકલની વર્ષો જૂની પદ્ધતિ જ ચાલે છે. જેને ઇન્ફોટેલ સોફ્ટવેરથી અપડેટ કરવા ઉપરાંત આધુનિક લેબ બનાવવા કેન્દ્ર સરકારે અવાર-નવાર ટકોર કરવા છતાં પાલિકાનું આરોગ્ય તંત્ર હજુ સુધી તેનો ઉકેલ લાવી શક્યું નથી.

ચારેક મહિનામાં સુરતમાં જ લેબ શરૂ થઈ ગયા બાદ એક દિવસમાં રિપોર્ટ મળશે
પાલિકાના ફૂડ એનાલિસિસ્ટ શાહિદ હરદવાલાએ જણાવ્યું હતું કે, વેસુમાં નવી પદ્ધતિ સાથે નવી લેબ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી ચારેક મહિનામાં આ લેબ શરૂ થઈ જશે. ત્યાર બાદ એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે. હાલમાં ભલે મર્યાદા 14 દિવસની હોય પણ માવા-ઘારીના રિપોર્ટ ઝડપથી જાહેર કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

મિઠાઈ-ઘારીની આ 14 સંસ્થા-ડેરીઓમાંથી 28 સેમ્પલ લેવાયાં

 • સુમુલ ડેરી
 • પિયુષ બારડોલીવાલા, રાણી તળાવ રોડ
 • વિજય ડેરી, અડાજણ
 • કૈલાસ રેસ્ટોરેન્ટ, ટીમલીયાવાડ
 • ઠકકર મોતી હરજી, બરાનપુરી, ભાગળ
 • મોહનની મિઠાઈ, ભાગળ
 • જમનાદાસ ધારીવાલા, નાણાંવટ
 • ન્યૂ રમેશ મિઠાઈ, ભટાર
 • 24 કેરેટ, માલીની વાડી, સલાબતપુરા
 • રમેશ મિઠાઈ, ઝાપાં બજાર મેઈન રોડ
 • ઠાકોરની મિઠાઈઓ, બરાનપુરી ભાગળ
 • મહેશ્વરી કન્ફેકશનર્સ, ટીમલીયાવાડ
 • બાબુભાઈ સ્વીટ સિલેકશન, નવાપુરા કરવા રોડ
 • ચોર્યાસી ડેરી, અંબાજી રોડ, ભાગળ