• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Has Developed A QR Code Module To Search For People Without Vaccines. Vaccine Certificates In Public Places Including Restaurants And Malls. Need To Be Scanned

સુરત પાલિકાનો નવતર પ્રયોગ:રસી વિના ફરતા લોકોને શોધવા ‘QR Code’ મોડ્યુલ તૈયાર કર્યું; રેસ્ટોરાં-મોલ સહિત જાહેર સ્થળોએ વેક્સિન સર્ટિ. સ્કેન કરાવવું ફરજિયાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
100 કરોડના લક્ષ્યાંક નિમિત્તે પોલીસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન - Divya Bhaskar
100 કરોડના લક્ષ્યાંક નિમિત્તે પોલીસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
  • QR Codeનું મોડ્યુલ એરપોર્ટ, 8 મોલ, 80 રેસ્ટોરાંને અપાયું, દિવાળી પછી જે તે આઉટલેટમાં સ્કેનિંગના આધારે એન્ટ્રી મળશે
  • જાહેર સ્થળોએ QR Codeથી દરેક વ્યક્તિના સર્ટિફિકેટની તપાસ ફરજિયાત કરાશે, લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થાય તે માટે પ્રયાસ

શહેરમાં પ્રથમ ડોઝના વેક્સિનેશનમાં 34.32 લાખના લક્ષ્યાંક કરતા પણ 1.30 લાખ વધુ લોકોનું રસીકરણ થઇ ગયું છે. જોકે સેકન્ડ ડોઝ હજુ પણ 53 ટકા જ થયો છે. ત્યારે રસી લેવાથી છટકી રહેલા લોકોને પણ ફરજિયાત વેક્સિન અભિયાનમાં જોડવા પાલિકાએ દેશમાં સૌપ્રથમ QR Code મોડ્યુઅલ લોન્ચ કર્યું છે. જે દિવાળી બાદ જાહેર સ્થળો માટે ફરજિયાત કરાશે. એટલે જો રસી લીધી ન હશે તો એરપોર્ટ, મોલ-મલ્ટિપ્લેક્સ, ગેમઝોન ઉપરાંત હોટલોમાં જમવા પણ જઇ શકાશે નહીં. હાલમાં પાલિકાના તમામ કર્મચારી, એરપોર્ટના 5,339 કર્મચારી, 80 રેસ્ટોરાં, 8 મોલ અને 7 સરકારી કચેરીઓને આ મોડ્યુઅલ સાથે કનેક્ટ કરી દેવાયા છે.

ભારતમાં 100 કરોડના રસીકરણની સિદ્ધિ સાથે દેશમાં સૌપ્રથમ વેક્સિનેશન સર્ટિફિકેટ મોડ્યુલ ડેવલપ કરવામાં સુરત મહાપાલિકા અગ્રેસર સાબિત થઇ છે. આ મોડ્યુઅલ મારફત રસી લીધી છે કે કેમ તે જાણવા જે તે સંસ્થામાં આવતા લોકોના રસીકરણ સર્ટિ. ઉપર પ્રિન્ટ કરેલા QR Code સ્કેન કરી ખરાઈ કરાશે. આ તમામ માહિતી પાલિકાની કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમમાં રજિસ્ટર પણ થઈ જશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે પણ આ ખુબ મદદરૂપ સાબિત થશે. ભવિષ્યમાં રસીકરણ સર્ટિફિકેટને ફરજિયાત કરાશે તો પણ આ સ્કેનિંગ મોડ્યુલ લોકોને લિંક, ઓટીપી, અને ડાઉનલોડની ઝંઝટથી મુક્તિ આપશે.

એરપોર્ટ સહિત કેટલીક હોટલોમાં પ્રાયોગિક અમલવારી શરૂ
રસી બાકી હોય તેવાને ટ્રેસ કરવા દિવાળી બાદ પાલિકા કડક નિયમો લાવી રહી છે. ક્યુઆર કોડ મોડ્યુઅલ સેવાને એન્ડ્રોઇડ એપ્લિકેશનથી કનેક્ટ કરવાની કવાયત વચ્ચે પાલિકાના તમામ કર્મીઓના સર્ટિફિકેટ વેરિફાઇ કરી ક્યુઆર કોડ કનેક્ટ કરી લેવાયા છે. આ જ રીતે એરપોર્ટના 5339 કર્મીઓ ઉપરાંત 80 રેસ્ટોરાં, 8 મોલ, 1 મલ્ટિપ્લેક્સ, 7 સરકારી કચેરીઓ અને 4 અન્ય સંસ્થાઓને મોડ્યુઅલ સ્કેન કોડથી સાંકળી લેવાયા છે. પાલિકાએ વેક્સિન સર્ટિફિકેટના ક્યુઆર કોડને હાલમાં સુરત એરપોર્ટની સાથે તથા શહેરના વિવિધ સ્થળો જેવા કે મોલ, મલ્ટિપ્લેક્સ, થીએટર, રેસ્ટોરાં ખાતે આ મોડ્યુઅલ કોડ લોન્ચ કરી વિગતો કનેક્ટ કરી લીધી છે.

હવે તમામ સંસ્થાઓને જોડાશે
પાલિકાએ એસએમસી એન્ડ્રોઇડ એપ્લિકેશનના માધ્યમથી વેક્સિન સર્ટિફિકેટ વેરિફિકેશન માટે QR Code મોડ્યુઅલ ડેવલપ કર્યું છે, જેને શહેરના વિવિધ એકમો સાથે કનેક્ટ કરી લેવાયું છે. આ સાથે જ લોકોની અવર-જવરથી વ્યસ્ત રહેતી તમામ સંસ્થાઓને પણ આ મોડ્યુઅલ સાથે આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કનેક્ટ કરી દેવાશે એવું પાલિકાના સૂત્રોનું કહેવું છે.

આ રીતે જાતે સ્કેન કરી શકાશે
1. પાલિકાની એપ્લિકેશન પર લોગિન કરી વેક્સિન સર્ટિ. વેરિફિકેશન બટન દબાવો.
2. નવા આઉટલેટમાં નોંધણી કરાવવા માટે પ્લસ બટન પર ક્લિક કરો.
3. ફોર્મ ફિલ-અપ કરો.
4. સર્ટિ. સ્કેન માટે આઉટલેટ પર ક્લિક કરો.
5. ક્યુઆર કોડ બટન ક્લિક કરો.
6. કમેરામાં સર્ટિ.ના કોડને સ્કેન કરી સબમિટ કરો.