સિક્કો બન્યો માથાનો દુખાવો:હાથ પર મરાતા ક્વોરન્ટીન સિક્કાથી માતા-પુત્રીના હાથની ચામડી બળી ગઈ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢથી આવ્યા ત્યારે પાલિકાએ સિક્કા માર્યા હતા

હેલ્થ રિપોર્ટર | સુરત બહાર ગામથી આવતા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન રાખવા પાલિકા દ્વારા હાથ પર મારવામાં આવેલા સિક્કાની શાહીના કેમિકલના કારણે આડઅસર થતા ચામડી પર ફોલ્લા પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જુનાગઢથી સુરત આવેલા સરથાણાના પરિવારના 6 સભ્યોના હાથ પર સિક્કા મારવામાં આવ્યા હતા. જેમાંથી 4ને આડઅસર થઈ છે. સરથાણા અક્ષરધામ સોસાયટી ખાતે રહેતા હિતેશ દોમડીયા(34) બે મહિના અગાઉ વતન જુનાગઢ ખાતે ગયા હતા. ગઈ તા.20મીએ સાંજે તેઓ મંજૂરી લઈ કારમાં સુરત આવી રહ્યા હતા ત્યારે વાલક ચેક પોસ્ટ પાસે હિતેશભાઈ સહિત પરિવારના 6 સભ્યોના હાથ પર હોમકોરન્ટાઈનના સિક્કા મારવામાં આવ્યા હતા. સિક્કા માર્યા ત્યારે તરત જ બળતરા થઈ હતી. જેથી તરત સાફ કર્યુ હતું.

જોકે રાત્રે હિતેશભાઈ, તેમની પત્ની, પુત્રી અને કાકાને જ્યાં સિક્કો માર્યો હતો તે ભાગમાં ફોલ્લા પડી ગયા હતા. સવારે તેઓ હેલ્થ સેન્ટરમાં ગયા હતા અને આ બાબતે ફરીયાદ પણ કરી હતી. ત્યાર બાદ આરોગ્ય અધિકારીનું પણ આ બાબતે ધ્યાન દોર્યુ હતું. હિતેશભાઈના પિતરાઈભાઈ ડો.કેયુરે જણાવ્યું કે,આ બાબતે ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી હતી. શાહીને લાંબો સમય સગ્રહ કરવા તેમાં ઉમેરવામાં આવતા કેમિકલને કારણે આ અસર થઈ હોવાની શક્યતા તેમણે વ્યકત કરી હતી.

સરથાણાના પરિવારની અસહ્યય વેદના 
હાથ પર ક્વોરન્ટીન સિક્કો મારવામાં આવ્યો હતો. પરંતુ કેમિકલના કારણે એલર્જી થતા ચામડી બળી ગઈ હતી. 

એક જ સિક્કાનો ઉપયોગ, ચેપ પ્રસરવાનો ભય
શહેરમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓથી આવનારા લોકોના હાથ પર 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇનનો સિક્કો લગાવવામાં આવે છે. તેમાં એક જ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે એલર્જીની સાથે ચેપ ફેલાવવાની શક્યતા પણ છે.

આરોગ્યસેતુ એપ પણ ડાઉનલોડ નથી કરાવાતી
બહારથી ‌આવનારાઓ પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સૂચના અપાઇ છે. પરંતુ તેમની પાસે એપ ડાઉનલોડ કરાવાતી નથી. બહારથી આવનારાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ક્યાંથી આવ્યા અને શહેરમાં કેટલા દિવસ રહેવાના છે. આ માહિતી લેવાની સૂચના છે.

અન્ય સમાચારો પણ છે...