વેધર:ઉત્તરના ગરમ પવનથી પારો વધુ 3 ડિગ્રી વધીને 39 થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ કાળઝાળ ગરમી, કાલથી રાહત
  • 2 દિવસમાં તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો

દરિયાઇ પવનની પેટર્ન બદલાતાની સાથે જ શહેરમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. સતત બીજા દિવસે ગરમીનો પારો ૩ ડિગ્રી વધ્યો છે. આમ, બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ૬ ડિગ્રીનો નોંધપાત્ર વધારા સાથે આજે ૩૯ ડિગ્રી પહોંચી જતા અસહ્ય ગરમીનો શહેરીજનોએ સામનો કરવો પડ્યો હતો. ઉત્તર દિશાથી સૂકા અને ગરમ પવનો ફૂંકાતા તાપમાન વધી ગયું છે.

આવતીકાલે ગુરુવારે ગરમીનો પારો ૩૯થી ૪૧ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જો કે ત્યારબાદ ૧૬ એપ્રિલથી મહત્તમ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. જેથી શહેરીજનોને ફરી એકવાર ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ તાપમાન ૩૨થી ૩૪ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને સાંજે ૩૮ ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી ૬ કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. ઉલ્લેખનીય છે કે, હજુ એપ્રિલનો મદ્યભાગ ચાલી રહ્યો છે ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવા માંડ્યો છે. તજજ્ઞોના મતે મે મહિનામાં ગરમી નવા રેકોર્ડ બનાવે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...