છેતરપિંડી:વેપારીએ બ્લુ ડાર્ટ સર્ચ કરતાં ઠગોએ લિંક મોકલી 98 હજાર ઉપાડી લીધા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીએ ઠગોના કહ્યા મુજબ ફોર્મ ભર્યું તો ટોળકીએ મોબાઇલ નંબર હેક કરીને UPIથી ઉચાપત કરી

ગૂગલ પરથી બ્લુ ડાર્ટ કુરિયર સર્ચ કરવામાં ઠગ ટોળકીએ વેપારીને ફોર્મ ભરાવી મોબાઇલ નંબર હેક કરી ખાતામાંથી 98300 ઉપાડી લીધા હતા. મૂળ બિહારના અને પરવટ પાટિયા રૂદ્રાક્ષ એવન્યુમાં રહેતા અને ટુ વ્હીલર એસેસરીઝનો વેપાર કરતા 39 વર્ષીય જીવન જૈને 22 સપ્ટેમ્બરે ચેન્નાઇના વેપારી પાસેથી ટુ વ્હીલરની ચાવીના રબર નંગ-700 કુરિયરમાં મંગાવ્યા હતા.

ચેન્નાઇના વેપારીએ પાંડેસરામાં યશ ઓટોના સરનામે કુરિયર બ્લુ ડાર્ટમાં મોકલી આપ્યું હતું. 5થી 6 દિવસ થવા છતાં પાર્સલ કુરિયરમાં ન આવતા ચેન્નાઇના વેપારીને કોલ કર્યો હતો. ચેન્નાઇના વેપારીએ ટ્રેક આઈડીથી ઓનલાઇન ચેક કરી પૂછપરછ કરી લો એમ કહ્યું હતું.

વેપારીએ 4 ઓક્ટોબરે બ્લુ ડાર્ટ કુરિયરનો નંબર સર્ચ કર્યો હતો, જે નંબર પર વેપારીએ કોલ કરતાં સામેની વ્યકિતે આવતીકાલે કુરિયર મળી જશે એમ કહી જણાવ્યું કે તમારું કુરિયર તમને આજે જ જોઈતું હોય તો હું તમને વોટ્સઅપ પર એક ફોમેર્ટ મોકલું છું જે ભરીને 5 રૂપિયા સેન્ડ કરવા પડશે. વેપારીએ કંઈપણ વિચાર્યા વિના જ ફોર્મેટમાં ટ્રેકિંગ આઈડી, ટુ ડે ફસ્ટ ડિલિવરી અને રૂપિયા ભરીને મોકલી આપ્યું હતું.

જોકે, થોડી જ વારમાં વેપારીનો મોબાઇલ હેક થઈ ગયો હતો, જ્યારે વેપારીએ 7 ઓક્ટોબરે સીમ એક્ટિવ કરાવી મોબાઇલ ચાલુ કરતાં બેંક ઓફ ઇન્ડિયાની ઉધના બ્રાંચમાંના વેપારીના ખાતામાંથી 98300ની રકમ યુપીઆઈથી ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઠગાયા હોવાનો અહેસાસ થતાં વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચીટીંગ, IT એક્ટનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...