હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે દર સોમવારે ભાવિકો દ્વારા કાવડમાં પવિત્ર નદીઓ અને તળાવોના પાણી ભરીને શિવલિંગ પર ચડાવવાની પ્રથા ચાલે છે, ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં રહેતો યુવક તાપી નદીમાંથી કાવડમાં પાણી ભરવા ગયો એ દરમિયાન પગ લપસ્યો હતો. જેથી તાપીના ધસમસતા પ્રવાહમાં યુવક ગરકાવ થઈ ગયો હતો. જેથી યુવકને શોધવા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નાવડી ઓવારાથી ગરકાવ
ભટાર વિસ્તારમાં આવેલા નવજીવન સર્કલ પાસે રહેતો અનુરાગ રાજેશ ઉપાધ્યાય (ઉંમર વર્ષ આશરે 18) આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ નાવડીવાળા ઓવારા ખાતે તાપી નદીનું પવિત્ર જળ ભરવા માટે ગયો હતો. પાણી ભરતી વખતે તેનો પગ અચાનક લપસ્યો હતો. જેના કારણે તેના શરીરનું બેલેન્સ ગુમાવતા તે તાપી નદીના ધસમસ્તા પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી
તાપી નદીમાં હાલ ઉકાઈ ડેમમાંથી એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે તાપી બે કાંઠે વહી રહી છે અને નદીમાં વેગ પણ વધુ છે. જેના કારણે ફાયર બ્રિગેડને યુવકને શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.