હોમ લોનના હપ્તા અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ૩ લાખ ચૂકવવાના ટેન્શનમાં અમરોલીના રત્નકલાકાર યુવાને તેના એપાર્ટમેન્ટના 12માં માળના ટેરેસ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. રત્નકલાકાર યુવકના આત્મહત્યાના બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અમરોલી પોલીસની તપાસમાં રત્નકલાકાર યુવકે લોનના હપ્તા અને ઉછીના લીધેલા રૂપિયા ના ટેન્શનમાં 12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.
મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ અમરોલી કોસાડ રોડ ગૃહમ એમ્પાયર નજીક આવેલા ભક્તિ હાઇટ્સમાં રહેતા 26 વર્ષીય હેમીલ કાંતિભાઈ પટેલહીરાના કારખાનામાં કામ કરતો હતો. થોડા સમય પહેલાં જ હેમીલ કાંતિ પટેલે લોન ઉપર ફ્લેટ લીધો હતો. જેથી હોમ લોનના હપ્તા ચાલી રહ્યા હતા.
તે ઉપરાંત હેમિલે તેના મિત્રો પાસેથી પણ 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આર્થિક સંકડામણને કારણે હેમિલ પટેલ હોમ લોનના હપ્તા ભરી શકતો ન હતો એટલું જ નહીં તેણે તેના મિત્રો પાસેથી ઉછીના જે 3 લાખ રૂપિયા લીધાં હતાં તે પણ તે પરત આપી શકવાની સ્થિતિમાં ન હતો. આમ તેના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો.
સોમવારે રાત્રે તેણેે એપાર્ટમેન્ટના 12માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં હેમીલ પટેલે લીધેલી હોમ લોનના હપ્તાના ટેન્શનમાં તેમજ મિત્રો પાસેથી લીધેલા 3 લાખ રૂપિયા પરત કરવાના ટેન્શનમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.