• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Hydro Power Unit Operating At Ukai Dam Generated 224 Million Units Of Electricity Monthly In August, Breaking The Record Of 9 Years Ago.

વીજ ઉત્પાદનમાં સિદ્ધિ:ઉકાઇ ડેમ ખાતે કાર્યરત હાઈડ્રો પાવર યુનિટે ઓગસ્ટમાં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરીને 9 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમ (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઉકાઈ ડેમ (ફાઈલ તસવીર)
  • અગાઉ ઓગસ્ટ 2013માં મહત્તમ 221.26મિલિયન મિલિયન યુનિટ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું

દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાશયને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીના અમૃત્તકાળમાં ઉકાઈ ડેમના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનું રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશિતાનું પરિણામ જણાવીને તમામ નાગરિકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી છે.

સિંચાઈ, ઉદ્યોગો અને ઘરગથ્થુ વપરાશ માટે પાણી અપાય છે
આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ 300 મેગાવોટ (75 મેગાવોટ x 4 = 300 મેગાવોટ)ના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ (2.5 મેગાવોટ x 2= 5 મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.

હાઈડ્રોથી વીજ ઉત્પાદન થાય છે
ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટ્સ ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું. સિંચાઈ વિભાગના શિરે વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદનની સાથેસાથે પૂર નિયંત્રણ તથા સુરત શહેરને પૂરના પાણીથી કોઈ જ નુકસાન ન થાય તે માટે ઉકાઈ બંધમાંથી 2 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી નહીં છોડવાની જવાબદારી હતી તથા ડેમના રૂલ લેવલ પણ જાળવવાના થતાં હતાં.

ભારે વરસાદથી વીજ ઉત્પાદન વધ્યું
ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો ૩ લાખ 60 હજાર ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો 1 લાખ 85 હજાર ક્યુસેક સુધી મર્યાદિત રાખી પૂર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે.મહત્તમ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન તથા હેઠવાસમાં સુરત શહેરને ધ્યાને લઈને વ્યવહારૂ તથા દુરંદેશી અભિગમ અપનાવી હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહીઓ તથા સેન્ટ્રલ વોટર કમિશન તરફથી આપવામાં આવેલી સંભવિત પાણીના આવરા અને સાથોસાથ બંધ સલામતીને પણ ધ્યાને રાખી જરૂરિયાત ઉભી થયે રૂલ લેવલ કરતાં વધારે લેવલ સુધી પાણી સંગ્રહિત કર્યું હતું.

રેકોર્ડ નોંધાયો
આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા ઓગસ્ટ-2022માં 224 મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કર્યું છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા 50 વર્ષમાં આ એક રેકોર્ડ છે. ચાલુ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અમૃત્ત વર્ષે આ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ઓગસ્ટ 2013માં મહત્તમ 221.26 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું.(ઓગસ્ટ-2022માં વીજ ઉત્પાદન: અંદાજે રકમ 224 મિલિયન યુનિટ x રૂ. 3.50 પ્રતિ યુનિટ = રૂ. 7840 લાખ)ચાલુ ચોમાસા દરમિયાન કુલ હાઇડ્રો પાવર વીજ ઉત્પાદન 318.38 મિલિયન યુનિટ : અંદાજિત રકમ રૂ. 11143 લાખ)

અન્ય સમાચારો પણ છે...