ડિંડોલીમાં શંકાશીલ સ્વભાવના પતિએ પત્ની સાથે ઝઘડો થયા બાદ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીના ચારિત્ર્યને લઇ તે વારંવાર શંકા કરી ઝઘડો કરતો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.ડિંડોલી શિવમ નગર ખાતે રહેતા 21 વર્ષીય ઓમપ્રકાશ રાજવલ્લભ જમાદાર જરીના કારખાનામાં કામ કરતો હતો. ઓમપ્રકાશ પત્નીના ચારિત્ર્ય અંગે શંકાશીલ હોવાથી તે બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થતો હતો. ઓમપ્રકાશ તેની પત્ની ઘરનો દરવાજો ખુલ્લો રાખી કામ કરે કે ઘરની બહાર ઓટલા પાસે બેસે તો પણ તે શંકા કરતો હતો.
પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતાં દંપતિ વચ્ચે શુક્રવારે ફરીથી ઝઘડો થયો હતો. જેમાં ઓમપ્રકાશે આવેશમાં આવી પત્નીને ઘરની બહાર કાઢી મુકી હતી અને પોતે અંદરથી દરવાજો બંધ કરી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ચારિત્ર્ય અંગે શંકાશીલ હોવાના કારણે થતા ઝગડાના કારણે આવેશમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.