આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા આજે આખી સરકાર જ સુરતમાં આવી ગઈ છે. સીએમ, ડે.સીએમ, આરોગ્ય સચિવ સહિતનાએ સુરત કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર માટે રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. 2500 ઈન્જેક્શન આજે રાતે 8 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશે અને ખાનગી હોસ્પિટલોને ડાયરેક્ટ જ અપાશે. જેથી લોકોને આમ-તેમ રખડવું નહીં પડે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે વધુ 800 બેડબેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે, 300 વેન્ટિલેટરની પણ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં રોજ 25 હજાર રેમડેસિવિરના ઈન્જેક્શન આવે છે
રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને તમામ લોકોની ચિંતા આગામી દિવસોમાં દૂર થઈ જશે. સંક્રમિત દર્દીઓ માટે 3,00,000 ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે. ફાર્મા કંપની દ્વારા રોજના રાજ્યમાં 25000 ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. જે જરૂરિયાત મુજબ દરેક શહેરમાં મોકલવામાં આવી રહ્યા છે. થોડાં જ દિવસોમાં સમગ્ર શહેરમાં ઇન્જેક્શનો પૂરતો જથ્થો મળી રહેશે.
10 ધન્વંતરી રથનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ધન્વંતરી રથ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયા છે. કોર્પોરેશન દ્વારા વધુ 50 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી 10 જેટલા ધન્વંતરી રથને આજે મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયા હતા. ધન્વંતરી રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોરોનાના સામાન્ય લક્ષણ તાવ શરદી જેવા વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓને પ્રાથમિક સારવાર અને દવા આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી
લોકડાઉન અંગે મુખ્યમંત્રી સ્પષ્ટતા કરી છે કે હાલ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યા છે તેનો પણ અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. લોકોએ લોકડાઉનને લઈને ચિંતા કરવાની કોઈ જરૂરિયાત હાલ જણાતી ન હોવાની વાત કરી છે.
મુખ્યમંત્રીએ ત્રિપલ-T ફોર્મ્યૂલા અપનાવવા ભાર મૂક્યો
મુખ્યમંત્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં મુખ્યમંત્રીએ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T-ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.
અધિકારીઓ સાથે બેઠક યોજી
સુરત શહેરમાં વધતા કરણા સંક્રમણને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારી ખાતેથી સુરત આવી પહોંચ્યા હતાં. તાબડતોડ મુખ્યમંત્રીએ સુરત જીલ્લા સેવા સદન ખાતે કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે. રોજના વધતાં કોરોના સંક્રમણ ના કેસોની સંખ્યામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. સુરત શહેરની કોરોના સંક્રમણની સ્થિતિ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.
આરોગ્ય સચિવની બેઠક ને સિવિલમાં જ નીકળ્યો વાજતે-ગાજતે વરઘોડો
સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા કોરોનાના પોઝિટિવ કેસો વચ્ચે કેમ્પસમાં પ્રસંગના વરઘોડોનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ઢોલ નગરા સાથે કેટલાક વર્ગ-4ના કર્મચારીઓએ નાચતે ગાજતે વરઘોડો કાઢ્યો હોવાનું વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. મેડિકલ કોલેજની લાઈબ્રેરી પાસેથી વરઘોડો નીકળતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આજે રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ, કલેકટર, પાલિકા કમિશનર સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં વધતા જતા કોરોનાના કેસ અને વધતા મૃત્યુઆંકને લઈ સિવિલના ડોક્ટરો અને સુપરિટેન્ડન્ટ, કોલેજના ડિન સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન વરઘોડો નીકળ્યો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, હજી સુધી વરઘોડો કોનો હતો અને ક્યાં પ્રસંગમાં નીકળ્યો એ વાત જાણી શકાય નથી.
કલેક્ટર-પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક
સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.
તંત્ર મોતના આંકડા છુપાવે છે
સુરતમાં કોરોનાના કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે. જોકે, સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીના જ કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવે છે.
વેન્ટિલેટર કચરાની ગાડીમાં લવાયા
રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ ગત રોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા.
સરકારી હોસ્પિટલોમાં 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ
સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જયારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.
કોવિડ હોસ્પિટલ બેડની સંખ્યા વધારવા તૈયારી
સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં 9માં માળને તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. 10 માળની કોવિડ-19 હોસ્પિટલ બાદ જૂની બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલને પણ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે તૈયાર કરાઈ રહી છે. બીજી બાજુ રોજના 70-80 દર્દીઓ આવી રહ્યા છે. જેની સામે રજા લઈને હોમ ક્વોરન્ટીન થતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ-19 હોસ્પિટલમાં 1200 દર્દીઓની કેપિસિટી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્ટાફની ભરતી કરવા તૈયારીઓ
સુરત શહેરની કોવિડ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર 50, બાયો મેડિકલ ઈજનેર 6, ટેક્નિકલ સુપર વાઇઝર 10, ઓક્સિજન ઓપરેટર 12, લેબ ટેક્નિસિયન 18, વર્ગ 4 ના કર્મચારીઓ 540, ECG ટેકનીસિયાન 12, ફાર્મસીસ 10, સ્ટાફ નર્સ 240, ડ્રાઈવર 5ની તાત્કાલિક ભરતી કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી
સિવિલ હોસ્પિટલ કોવિડ-19 માં 260 વેન્ટિલેટર છે એની સાથે બીજા 45 એક્સ્ટ્રા છે એટલે 305 વેન્ટિલેટર છે. બીજા 100 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા આયોજન સાથે માગ્યા છે. કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી શરૂ કરાઇ છે. રોજના 23.4 હજાર લીટર ઓક્સિજનનો વપરાશ થાય છે. રોજ ઓક્સિજન ભરેલું ટેન્કર મગાવું પડે છે. મેડિસિન ઇમરજન્સી મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન સહિત 54 સિનિયર ડોક્ટરો તમામ કામગીરી પર નજર રાખી રહ્યાં છે.
330 ડોક્ટરો હાલ દર્દીઓ માટે ખડે પગે સેવા આપી રહ્યા છે
કો-રેસિડેન્ટ, રેસિડેન્ટ, ઇન્ટર્ન સહિત 330 ડોક્ટરો હાલ દર્દીઓ માટે ખડે પગે સેવા આપી રહ્યા છે. રોટેશન મુજબ ડોક્ટરો જવાબદારી સાંભળશે. એટલે કે 330 ડોક્ટરો પૈકી 1 અઠવાડિયું નોન કોવિડ અને 2 અઠવાડિયા કોવિડમાં રોટેશન મુજબ કામ કરશે. કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 200 બેડની વ્યવસ્થામાં 70 ડોક્ટરોની માગણી કરી છે. બે વાર જાહેરાત આપી છે પણ કોઈ આવવા તૈયાર નથી.
તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છેઃ MLA હર્ષ સંઘવી
ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્વયમ સેવકોએ સિવિલ હોસ્પિટલમાં નામ લખાવવા અપીલ છે. ડોક્ટરોને ડેપ્યુટશન પર પણ લવાશે. મેન્સ પાવરની તાબડતોડ વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સુરતવાસીઓની તમામ સમસ્યામાં સાથે રહેશે અને તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે. આ સાથે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ 20 કલાક કામ કરી રહ્યો છે. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ કિડની હોસ્પિટલ જલ્દી શરૂ કરવાનો નિર્ણય લેવાશે. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતના તમામ સાધનોની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે પૂરતું ફંડ પણ અપાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.