આમ આદમી પાર્ટીનો આક્ષેપ:સુરતના વરાછા ઝોનની સ્કૂલમાં મુખ્ય શિક્ષકે વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરા - Divya Bhaskar
સુરત મહાનનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરા

સુરત મહાનનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું જાતીય સતામણી કરી હોવાના આક્ષેપ કર્યાં હતા. રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, બાળક સાથે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવલી જાતીય સતામણીને લઈને 3 મહિના પહેલા જ વાલીઓએ ફરિયાદ કરી હતી, પરંતુ, તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. શાસકો પોતાની છબી ન ખડાય તે માટે આ સમગ્ર ઘટનાને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

વાલીઓએ અમને પુરાવા આપ્યા છેઃ રાકેશ હિરપરા
રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, વાલીઓ પણ ખૂબ જ ડરી ગયા છે તેથી તેઓ હાલ સામે આવીને કોઈપણ પ્રકારની ફરિયાદ કે મીડિયા સામે વાત કરી રહ્યા નથી. વાલીઓએ અમને વિદ્યાર્થીઓની જાતીય સતામણીના પુરાવા આપ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોઈ ઉકેલ ન આવતા વાલીઓ દ્વારા ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી હતી તેમજ કમલમના પણ દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ ત્યાં પણ તેમને નિરાશા મળી હતી.

શિક્ષકની બદલી કરી દેવામાં આવી છેઃ ધનેશ શાહ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું હતું કે, વાલીઓ દ્વારા અમને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. બાળકો સાથે થઈ રહ્યું છે એવી કોઈ ફરિયાદ અમને આજ દિન સુધી મળી નથી. વિપક્ષ ભલે કહેતો હોય કે વાલીઓ દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ, તે સત્ય નથી. અમારા સુધી કોઈ વાલીઓએ કોઈ ફરિયાદ કરી નથી અને ગાંધીનગર ખાતે પણ કોઈ ફરિયાદ ગઈ નથી. ગઈકાલે અમને આ બાબતે જાણ થતા અમે તાત્કાલિક અસરથી પગલાં લેવાના શરૂ કર્યાં છે. શિક્ષકની હાલ બદલી કરી દેવામાં આવી છે અને ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. જેનો 7 દિવસમાં રિપોર્ટ આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સાચી વિગતો બહાર આવશે. મુખ્ય શિક્ષક કસૂરવાર જણાય તો આકરા પગલા ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...