તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સિસ્ટમ:GST વિભાગ હવે એક જ ક્લિક પર બિલ વિનાની ગાડીઓ પકડી પાડશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ ચોરી રોકવા GSTએ ફાસ્ટેગ સાથે સિસ્ટમ કનેક્ટ કરી
  • ચેકપોસ્ટથી સુરતમાં રોજની 10 હજાર ગાડીઓની એન્ટ્રી થાય છે

રાજયમાં ચેકપોસ્ટ મારફત થતી ટેક્સચોરી રોકવા માટે જીએસટી વિભાગે નવતર પ્રયોગ અજમાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ફાસ્ટેગની મદદથી ચેકપોસ્ટથી એન્ટ્રી કરતી તમામ ગાડીઓ કાયદેસર માલની હેરફેર કરે છે કે તેની પર વોચ ગોઠવી છે. આંતરિક ઉપયોગ માટે લેવાતી આરએફઆઇડી સિસ્ટમને ફાસ્ટેગ સાથે કનેક્ટ કરવામાં આવી છે. જેથી ગાડીના નંબરના આધારે ગાડીધારક પાસે ઇ-વે બિલ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ વિશે માહિતી મળી રહે છે.

સુરતમાં છેલ્લાં એક અઠવાડિયામાં આવી 10થી વધુ ગાડીઓને પકડી છે. એક અંદાજ મુજબ રોજની દસ હજારથી વધુ ગાડીઓ સુરત આવતી હોય છે. મોબાઇલ ચેકિંગ દ્વારા અગાઉ અધિકારીઓ મહિને એવરેજ એક કરોડની ટેક્સચોરી શોધી કાઢતા હતાં. આ સિસ્ટમથી બમણી ટેક્સચોરી શોધી કાઢવાની અધિકારીઓની ગણતરી છે.

જીએસટી વિભાગની આ રીતે કામ કરે છે નવી સિસ્ટમ
ચેકપોસ્ટ પર તમામ વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય છે. જીએસટીએ પોતાની RFID સિસ્ટમ સાથે ફાસ્ટેગને કનેક્ટ કરી છે. જેમાં ગાડી નંબરથી વેપારીની કુંડળી મેળવી લેવાય છે. જેમાં નંબર ટ્રેસ થાય પરંતુ વિગતો ન મળે તો અધિકારીઓ ત્રણ રીતે તપાસ કરે છે એક તો ગાડી ખાલી હોય શકે, બીજુ કે તેમાં ટેક્સ લાગતો નથી એવો માલ હોય અથવા કોઇ ટેક્સચોરી કરી રહ્યુ હોય. શંકાસ્પદ ગાડીને ચેકપોસ્ટ પર અટકાવાય છે.

પહેલાં શું હતું | ફાસ્ટેગ પહેલાં જીએસટી 2 રીતે ટેક્સચોરી પકડતું હતું, એક મોબાઇલ સ્કવોર્ડના સહારે ચેકપોસ્ટ પર ચેકિંગ કરી ડેટા લેવાતા હતા, બીજું RFIDને ચેકપોસ્ટ કે મુખ્ય માર્ગ પર કેમેરા સાથે કનેક્ટ કરીને કંટ્રોલરૂમથી માહિતી મેળવાતી. અનેકવાર ગાડીઓ કેમેરાની બાજુથી પસાર થઈ જાય તો ટેક્સચોરી પકડાતી નહતી.

ગાડી નંબર અગત્યનો | વાહન નંબર સૌથી અગત્યનો છે. કેમકે માલ ડિલિવરીનો ચલણમાં ઉલ્લેખ હોય છે, પછી સિસ્ટમમાં અપલોડ કરે છે. જેમાં ઇ-વે બિલ સહિતની વિગતો હોય છે. આ નંબર ફાસ્ટેગના સહારે જીએસટીની સિસ્ટમ સાથે કનેક્ટ થાય છે અને વિગતો મેળવે છે.

ફોન ચેકિંગમાં 3 માસમાં 3 કરોડની ટેક્સચોરી ઝડપાઇ
પ્રાપ્ત વિગતો મુજબ, મોબાઇલ ચેકિંગ દ્વારા માર્ચ-2021માં ડિપાર્ટમેન્ટ 1.49 કરોડ, એપ્રિલમાં 77 લાખ અને મે (28 તારીખ સુધી) મહિનામાં 78 લાખની ટેક્સચોરી ઝડપી છે.

અન્ય સમાચારો પણ છે...