જી.આઈ.ડી.સી.માં ભ્રષ્ટાચાર અંગેની વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકારે સચિન-હજીરા સહિત રાજ્યના તમામ ઇન્ડસ્ટ્રી નોટીફાઇડ એરીયાના બોર્ડ વિખેરી નાખ્યાં છે. આ ઉપરાંત 8 સભ્યોના નવા બોર્ડની વરણીનું કામ પણ શરૂ કરાયું છે. ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરિયામાં ભ્રષ્ટાચારની ફરિયાદ સરકારને મળી હતી. ફરિયાદ મળ્યાના ગણતરીના દિવસોમાં જ સચિન હજીરા સહીત 20 ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઈડ એરિયાના બોર્ડને વિખેરી નાખ્યાં છે.
30મી માર્ચે સરકારે આ આદેશો આપ્યા હતા રવિવારે નોટીફાઇડ ઇન્ડસ્ટ્રીયલ એરીયાના બોર્ડ વિખેરી નાંખ્યા હતા.જેમાં વાસણા, નંદેસરી, વાઘોડીયા, પોર, કાલોલ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી,વી નગર,સચિન, વાપી, વલસાડ, સરીગામ, ઉમરગામ, કાલોલ, છત્રાલ, પીસીસી વડોદરા, હજીરા, ઝઘડીયા અને પાલેજનો સમાવેશ થાય છે. સરકારે આ તમામ ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઇડ એરિયાને બરખાસ્ત કરી તેના સ્થાને 8 સભ્યો નવા સંચાલન બોર્ડની 2 વર્ષની મુદત માટે નિયુક્તિની કામગીરી શરૂ કરાઈ છે.
નવા બોર્ડમાં આ સભ્યોની નિમણૂંક કરાશે
સચિન અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઇડ એરિયાના નવા મેનેજમેન્ટ બોર્ડમાં વિભાગીય પ્રબંધક,અધિક્ષક ઇજનેર, મુખ્ય અધિકારી એરિયા,સ્થાનિક વસાહત મંડળના પ્રમુખ અને સ્થાનિક વસાહતના સેક્રેટરી તેમજ અન્ય ચાર મેમ્બર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નિયુક્ત અધિકારી નવા સભ્યો તરીકે કામગીરી કરશે.
જીઆઈડીસીમાં એસો.નું પ્રભુત્વ વધશે
સચિન જીઆઈડીસી એસોસિયેશનના સભ્ય મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી જીઆઈડીસીમાં એસોસિએશનનું પ્રભુત્વ વધશે. પહેલાં 5 સભ્યો હતા હવે બોર્ડમાં સભ્યોની સંખ્યા 6 થઈ જશે.નવું બોર્ડ બનતા હજી 2 મહિનાનો સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.