સુડાના અધિકારી સાથે ઓળખાણ હોવાની ડંફાશ મારીને તેમજ સુડાના બોગસ લેટર અને રસીદના આધારે હજીરાના સુપર સ્ટોરના માલિક સહિત 5 વેપારીને 10 દુકાનો અપાવવાનું કહીને ઠગ ટોળકીએ 2.75 કરોડ રૂપિયાની ચીટિંગ કરી હતી. ટોળકીએ ઠગ હિતેશ મિસ્ત્રીની ઓળખાણ સુડા કર્મચારી તરીકે આપી હતી. વેપારી રાજકુમાર જૈનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મહેશ મધુકર ગુરવ( વોટર હિલ્સ રેસિ. અલથાણ), ધવલ મહેન્દ્ર જેઠવા( સાંઇકૃતિ રેસિ. અડાજણ) અને પરિક્ષિત હિતેશ શાહ (વેસ્ટર્ન સિટી, અડાજણ)ની ધરપકડ કરી છે. હિતેશ અરવિંદ મિસ્ત્રી હજુ ફરાર છે.
ઇચ્છાપોર ખાતે રહેતા અને હજીરામાં સુપર સ્ટોર ચલાવતા રાજકુમાર રામલાલ જૈનને ટોળકીએ સુડામાં 10 દુકાનો વેચવાની છે. અમારી અધિકારી સાથે ઓળખાણ હોવાથી તમને સરળતાથી મળી જશે કહી તેમની પાસેથી પહેલાં 10 લાખ રૂપિયા અને બાદમાં સુડાના નામે 65 લાખ રૂપિયાના ચેક મેળવ્યા હતા. અન્ય 4 વેપારીઓને પણ દુકાન અપાવવાની લાલચ આપી સુડાની બોગસ રસીદ અને એલોટમેન્ટ લેટર આપી 2 કરોડ રૂપિયા તેમની પાસેથી ખંખેરી લીધાં હતા.
કબજો ન મળતા ઠગ ટોળકીનો ભાંડો ફૂટ્યો
આરોપીઓએ વેપારીઓને દુકાનનો કબજો અને દસ્તાવેજ નહીં આપતા સુડા કચેરીમાં તપાસ કરતાં ખબર પડી કે સુડાની રસીદો અને એલોટમેન્ટ લેટર બોગસ છે.કૌભાંડ બહાર આવતા ટોળકીએ 2.75 કરોડ પરત કરવાનો વાયદો કરી નોટરી સમક્ષ લખાણ કર્યુ હતું. છતાં રૂપિયા નઆપતા વેપારીઓએ અડાજણ પોલીસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.