તંત્રને અંધારામાં રખાયું:સુરતના વેસુમાં સ્થાનિકોનો આંકડા છુપાવવાનો ખેલ, તંત્રની આકરી કાર્યવાહીથી બચવા જાતે જ કોરોના ટેસ્ટ કરાવતા હતા

સુરત8 દિવસ પહેલા
પાલિકાને જાણ થતાં જ ટીમો મોકલીને ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
  • વેસુની ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના રહીશોની ગંભીર બેદરકારી દાખવી
  • એપાર્ટમેન્ટમાં રહેતા ડોક્ટર પાસે ખાનગી રાહે ટેસ્ટ કરાવાતા હતા

સુરત શહેરમાં કોરોના સંક્રમણને લઇને સ્થાનિક લોકોની આશ્ચર્યજનક બાબતો ધ્યાનમાં આવી છે. વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ એપાર્ટમેન્ટમાં કોરોના કેસ છુપાવવાના મેસેજથી મનપા ટીમ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમને માહિતી મળી હતી કે આ એપાર્ટમેન્ટના લોકો જાતે જ પોતાના એપાર્ટમેન્ટમાં રહેતા ડોક્ટરો પાસેથી કોરોના રિપોર્ટ કઢાવી લેતા હતા. પોઝિટિવ આવ્યા હોવા છતાં પણ તેઓ તંત્રને એની જાણ કરતાં ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેથી પાલિકાએ ટેસ્ટિંગ કરાવવાની સાથે બેદરકારી દાખવાઈ હોય તો શિક્ષાત્મક કાર્યવાહીની તૈયારી હાથ ધરી છે.

સ્થાનિકોના ખેલની જાણ થતાં પાલિકાની ટીમ પહોંચી હતી.
સ્થાનિકોના ખેલની જાણ થતાં પાલિકાની ટીમ પહોંચી હતી.

18 લોકો પોઝિટિવ આવ્યા
સુરતના વેસુ વિસ્તાર શહેરના પોશ વિસ્તાર પૈકીનો એક છે. સૌથી વધારે ભણેલાગણેલા લોકો આ વિસ્તારમાં રહે છે છતાં પણ તેમણે જે પ્રકારનું કૃત્ય કર્યું છે એને કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના સંક્રમણ જેવી ગંભીર બીમારીને પણ છુપાવવાનો પ્રયાસ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી એપાર્ટમેન્ટમાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કરતાં 18 જેટલા લોકો બપોર સુધીમાં પોઝિટિવ આવ્યા હતા.

પાલિકાની ટીમે ટેસ્ટ કરતાં 12 લોકો પોઝિટિવ આવ્યા હતા.
પાલિકાની ટીમે ટેસ્ટ કરતાં 12 લોકો પોઝિટિવ આવ્યા હતા.

પાલિકાએ ટેસ્ટિંગ કર્યું
કોરોના સંક્રમણમા જો પોઝિટિવ આવ્યા હોય તો સાત દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પડે છે, જેનાથી બચવા માટે એપાર્ટમેન્ટના લોકો છૂપી રાહે ટેસ્ટ કરાવીને પોઝિટિવ આવ્યા હોય છતાં પણ તંત્રને તેની જાણ કરતા ન હોવાનું માલૂમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર સ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક અસરથી આખા એપાર્ટમેન્ટનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

ડ્રીમ હેરિટેજના રહીશો દ્વારા જાતે જ ટેસ્ટ કરાવ્યા હતા.
ડ્રીમ હેરિટેજના રહીશો દ્વારા જાતે જ ટેસ્ટ કરાવ્યા હતા.

કાર્યવાહી કરાશે-પાલિકા
પાલિકાના આસિસ્ટન્ટ આરોગ્ય કમિશનર ડૉ. આશિષ નાયકે જણાવ્યું હતું કે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના રહીશો કોરોના પોઝિટિવ આવ્યા હોવા છતાં પણ પોતાનો રિપોર્ટ છુપાવી રહ્યા છે. બિલ્ડિંગમાં રહેતા ડોકટરોએ જાતે જ જ ખાનગી રાહે કોરોનાના ટેસ્ટિંગ કરાવ્યા છે કે કેમ એ પણ તપાસ કરી રહ્યા છીએ તેમજ તેમના એપાર્ટમેન્ટમાં પણ રહે છે કે કેમ તેની પણ આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. અમારી તપાસમાં જ જાણવા મળશે કે સ્થાનિક લોકોએ પોતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમજ તેમના એપાર્ટમેન્ટમાં જો કોઈ ડોક્ટરે આ પ્રકારનું કૃત્ય કર્યું હશે, તો તેમની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકા દ્વારા ચેતવણીનાં બોર્ડ મારી દેવામાં આવ્યાં હતાં.
પાલિકા દ્વારા ચેતવણીનાં બોર્ડ મારી દેવામાં આવ્યાં હતાં.