કૌભાંડ:માલ મોકલાયો હોવાની બોગસ રસીદનો ખેલ, શહેરના 100થી વધુ ટેક્સટાઇલ ટ્રેડર્સનું રૂ. 150 કરોડનું કૌભાંડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કનૈયા ટ્રાન્સપોર્ટમાં DGGIના દરોડામાં GST ચોરીની મોડસ ઓપરેન્ડી પકડાઈ
  • ટ્રેડરોએ આરટીજીએસથી રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા છે જેથી સોદો થયો હોવાનું બતાવી શકાય

ડીજીજીઆઇએ સરોલી ખાતે આવેલા કનૈયા ટ્રાન્સપોર્ટમાં દરોડા પાડીને જીએસટી ચોરીની નવી જ મોડેસ ઓપરેન્ડી શોધીને રૂપિયા 150 કરોડનું કૌભાંડ ઊજાગર કર્યું છે. હાલ તપાસ ચાલી રહી હોવાથી કૌભાંડનો આંક વધી શકે છે. સમગ્ર કાંડમાં સુરતના 100થી વધુ ટેક્સટાઇલ ટ્રેડર્સનું પણ સામેલ હોવાનો ધડાકો થયો છે. આ ટ્રાન્સપોર્ટર્સ પોતાની ઓફિસમાં બેઠાં-બેઠાં માત્ર પાંચ જ મિનિટમાં કોલકાતા માલ મોકલાયો હોવાની બોગસ રસીદો બનાવી આપતા હતા. ત્યારબાદ વેપારીઓ ટ્રાન્સપોર્ટર્સના એકાઉન્ટમાં પેમેન્ટ આરટીજીએસ કરતા હતા જેથી ધંધો થયો હોવાનું કાગળ પર બતાવી શકાય.

આ પેમેન્ટ ફરી વેપારીને અમુક ટકા કમીશન કાપીને પરત કરી દેવાતું હતું. રોકડા વેપારીને આપનારા કેટલાંક એજન્ટ સમગ્ર કાંડમાં 60 લાખ જેટલી માતબર રકમ કમાયા છે. તેઓનું કામ માત્ર બેન્કમાંથી રોકડ લઇને વેપારીને પરત કરવાનું જ હતું. ડીજીજીઆઇના આ દરોડા બાદ અનેક ટ્રાન્સપોર્ટર્સ રડાર પર આવી ગયા છે. આ ઉપરાંત ડીજીજીઆઇએ એક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરરને ત્યાં દરોડા પાડીને રૂપિયા 80 લાખનું કૌભાંડ પકડ્યું છે. આ વેપારી માલ વેચીને કેટલાંક પેમેન્ટ રોકડમાં લેતો હતો. એના ત્યાંથી રૂપિયા 68 લાખની રિકવરી પણ કરવામાં આવી છે. 

આ રીતે આચરવામાં આવતું હતું સંપૂર્ણ કૌભાંડ
વેપારીઓ કનૈયા ટ્રાન્સપોર્ટનો સંપર્ક કરીને કોલકાતા માલ મોકલ્યો હોવાના બોગસ પુરાવા ઊભા કરતા હતા. આ માટે ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જ એલઆર ઉપરાંત ચલણ પૂરા પાડવામાં આવતા હતા. આમ, કાગળ પર સાબિત થતું હતું કે, કોલકાતા માલ મોકલ્યો છે. જેણે માલ લીધો હોય તે પણ બોગસ જ હતા. માલ મોકલો એટલે પેમેન્ટ પણ કરવું પડે, આથી જે વેપારી માલ લે તેના નામથી પેમેન્ટ આરટીજીએસ કરાતું હતું. આ ટ્રાન્ઝેક્શન પણ ટ્રાન્સપોર્ટર્સ જ કરી આપતો હતો. માલ ખરીદનાર કોઇ ન હોવાથી રૂપિયા માલ વેચનાર લોકલ ટ્રેડર્સ જ આપતો હતો. પછી એક એજન્ટ આ રૂપિયા પર દોઢ થી બે ટકા કમીશન લઇ તેને પરત કરી દેતો હતો. આ આપલેમાં એજન્ટો રૂપિયા 60 લાખ કમાયા હતા. તમામના સ્ટેટમેન્ટ લેવાયા છે.

ચલણ, એલઆર, બધુ જ બોગસ હતું
મેસર્સ કનૈયા કાર્ગો મૂવર્સની મુખ્ય શાખા કોલકાતામાં છે અને સુરત ખાતે તેની એક બ્રાન્ચ ઓફીસ છે. આ ઓફિસે દરોડા પાડીને અનેક બોગસ ચલણ અને એલઆર જપ્ત કરવામાં આવ્યા છે. વેપારીઓ આ બોગસ ખરીદીના આધારે ડિપાર્ટમેન્ટમાં આઇટીસી ક્લેઇમ કરતા હતા. આથી 100થી વધુ વેપારીઓને ડીજીજીઆઇએ સમન્સ પણ ઇશ્યુ કર્યા છે. 

અન્ય સમાચારો પણ છે...