વાપીમાં વૈભવી લેન્ડરોવર કારમાં દારૂની 17 બોટલો સાથે સુરત રહેતા બે ભાઇઓ ઝડપાયા હતા. બંનેએ કારની આગળની સીટ નીચે તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂ સંતાડી રાખ્યો હતો. પકડાયા બાદ બંનેએ પોલીસ સમક્ષ કબુલ્યું કે અમે આ દારૂ ઘરે પીવા માટે દમણની અલગ-અલગ વાન શોપમાંથી ખરીદ્યો હતો. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને 20 લાખની કાર તથા 6400નો દારૂ મળી કુલ 20.06 લાખની મતા કબજે લીધી હતી.
ચેકિંગ દરમિયાન પોલીસને જથ્થો મળી આવ્યો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ગજ્જર બંધુઓ સુરતના જાણીતા શો-રૂમના માલિક છે. વાપી જીઆઇડીસી પોલીસના કર્મીઓ ગુરૂવારે રાત્રે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વૈશાલી ચારરસ્તા પાસે પહોંચતા દમણ તરફથી આવી રહેલી ડિસ્કવરી લેન્ડરોવર કાર નં.જીજે-21-સીએ-0081 ઉપર શંકા જતા તેને અટકાવી ચકાસણી કરતા આગળની સીટ નીચે તથા પાછળની સીટ નીચે પગ રાખવાની જગ્યા પાસેથી એક લેધરના થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દમણથી દારૂ લાવ્યા હોવાનો ખુલાસો
પોલીસે કારમાં આવેલા ચાલકની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ દીપક જશવંતલાલ ગજ્જર (56વર્ષ) અને જિતેન્દ્ર જશવંતલાલ ગજ્જર (61વર્ષ) (બંને રહે બંગલા નં. 18, જીવનભારતી સ્કૂલની બાજુમાં, નાનપુરા, સુરત) હોવાનું જણાવ્યું હતું. એએસઆઈ અમરત નારણ અને મયુરસિંહે તપાસ કરતા બંને આરોપી ભાઇ હોવાનું અને દમણના અલગ અલગ વાઇન શોપમાંથી દારૂની ખરીદી કરી પોતાના ઘરે પીવા માટે લઇ જતા હોવાનું ખુલ્યું હતું.
ધરપકડ થતાની સાથે જ પોલીસે ફોન બંધ કરાવી દીધા
વાપી જીઆઇડીસી પીઆઇ વી.જી. ભરવાડે જણાવ્યું કે, પ્રોહિબિશન ડ્રાઇવમાં પોલીસ સ્ટાફને સૂચના અપાઇ હતી કે વાહન ચેકિંગ દરમિયાન કોઇપણ હોય અને દારૂ સાથે પકડાય તો પહલાં તો તેનો મોબાઇલ જ લઇ લેવો. જેના કારણે દારૂ સાથે પકડાયેલી વ્યક્તિ વગદાર હોય તો પણ તે કોઇપણ જાતની ભલામણ કરી ના શકે. પકડાયેલા બંને ગજ્જર બંધુઓ પાસે ફોન હોય તો ભલામણ કરાવે ને? તેમની પૂછપરછમાં ખબર પડી કે બંને દારૂ માટે દમણ આવ્યા હતા. તેઓ દારૂ પીવા માટે દમણથી ખરીદી સુરત લઇ જઇ રહ્યા હતા.
1 બોટલથી વધુ દારૂ ન મળતો હોવાથી અલગ-અલગ વાઇન શોપમાંથી 17 બોટલો ખરીદી
વાપીમાં દારૂ સાથે પકડાયેલા દીપક જસવંતલાલ ગજ્જર અને જિતેન્દ્ર જસવંતલાલ ગજ્જર પાસેથી પોલીસે ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હીસ્કી, વિલિયમ લોરેન્સ બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કી, બ્લેક ડોગ સેન્ટેનરી બ્લેક રિઝર્વ, બ્લેક એન્ડ વ્હાઇટ તથા બ્રિઝરની બોટલો મળી આવી હતી. પકડાયેલો દારૂ કઇ જગ્યાએથી લાવ્યા? એવું પોલીસે પૂછતા દીપક ગજ્જર અને જિતેન્દ્ર ગજ્જરે કહ્યું કે અમે અલગ-અલગ વાઇન શોપમાંથી ખરીદીને આ દારૂ ઘરે પીવા માટે લઇ જઇ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.