એજ્યુકેશન:ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 400 ખાનગી સ્કૂલો પોતાની રીતે લેશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેપર સોશિયલ મીડિયા પર મળી જાય એવી પરીક્ષા અયોગ્ય: સંચાલકો

શિક્ષણ બોર્ડે ધો. 9થી 12ની પહેલી પરીક્ષા 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાનો નિર્ણય કર્યો છે. પેપરો બોર્ડ તૈયાર કરી સ્કૂલોને મોકલી આપશે. જો કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતની 400 સ્કૂલ આ પરીક્ષા નહીં લેશે અને પોતે જ પેપર તૈયાર કરીને પોતાની રીતે પરીક્ષા લેશે. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ આનંદ જીંજાળાએ કહ્યું કે સોમવારે અમે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું છે કે બે કારણો છે. પહેલું એ કે, રાજ્યમાં એક સમાન પહેલી પરીક્ષાનો નિર્ણય લેતા સમયે બોર્ડે ખાનગી સ્કૂલોના સંચાલકોને બોલાવ્યા ન હતા.

કોરોનાને પગલે શહેર અને ગામડાની સ્કૂલોમાં ધોરણ-9થી 12નો સિલેબસ આગળ પાછળ ચાલી રહ્યો છે. બીજું કારણ એ કે બોર્ડ 10ઃ30થી 12ઃ30 કલાક દરમિયાન ધોરણ-9 અને 11ની તથા 14ઃ00થી 17ઃ00 કલાક દરમિયાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેશે. જે શક્ય નથી. ઘણી સ્કૂલો પ્રાઇમરી પણ ચલાવતી હોવાથી એક જ પાળીમાં વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે બોલાવવાથી વાહન વ્યવસ્થા પર અસર પડી શકે છે.

પેપર ફોડનારા સામે કાર્યવાહી કરાશે:DEO
જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂ સાથે થયેલી વાત ચીતમાં જણાયું હતું કે શિક્ષણ બોર્ડના આદેશનું સ્કૂલોએ પાલન કરવાનું રહેશે. પરીક્ષા નહીં લેશે તો પછી અમારે નોટીસ આપવી પડશે. તે સાથે શિક્ષણ બોર્ડની પરીક્ષાના પેપર કે પછી તેના જવાબ પરીક્ષા લેવાય તે પહેલા સોશિયલ મીડિયા પર ફરતા કરના શિક્ષકો સહિતના તજજ્ઞો સામે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...