ઉતરાયણ પર્વને લઇ કાતિલ દોરીથી અનેક અબોલ પક્ષીઓનો જીવ જોખમમાં મૂકાઈ છે. પતંગની દોરીમાં પક્ષીઓ ફસાતા હોવાના બનાવો બનતા હોય છે.ત્યારે ઉતરાયણ પર્વ નજીક આવતા પક્ષીઓ દોરીનો શિકાર બનતા હોવાના બનાવો સામે આવવા માંડ્યા છે. સુરતના કોઝ વે વિસ્તારમાં 13 માળની બે બિલ્ડિંગ વચ્ચે પતંગના દોરમાં કબૂતર ફસાયું હતું. ત્યારે ફાયર વિભાગે પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરનું રેક્સ્યૂં કર્યું હતું.
ઉતરાયણ પર્વ નજીક આવતા પક્ષીઓ દોરીનો બન્યા શિકાર
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ શહેરમાં લોકોએ પતંગ ચગાવવાની શરુઆત કરી દીધા છે. જેને લઇ પતંગની કાતિલ દોરીનો શિકાર અબોલા પક્ષીઓ બનવાનું શરૂ થઈ ગયું છે. પતંગની દોરીઓ જ્યાં ત્યાં લટકતી હોય છે. આ દોરીઓમાં પક્ષીઓને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.
13 માળની હાઇરાઈઝ બિલ્ડીંગ વચ્ચે કબુતર ફસાયુ
સુરતના કોઝવે વિસ્તારમાં આવેલા 13 માળના હાઈરાઈઝ બિલ્ડીંગ પાસે પંતગની દોરીમાં એક કબૂતર ફસાઈ ગયું હતું. બે બિલ્ડીંગ વચ્ચે પસાર થઈ રહેલા વાયરમાં પતંગની દોરી ફસાઈ હતી. પતંગની આ દોરીમાં કબૂતર ફસાઈ ગયું હતું. તે તરફડીયા મારી રહ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિકોને થઇ હતી, અને તાત્કાલિક બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભારે જહેમત બાદ કબૂતરને કરાયું રેસ્ક્યૂ
કબૂતર ફસાયા હોવાની જાણ ફાયરને કરાતા ફાયર વિભાગે અહીથી ભારે જહેમત બાદ કબૂતરનું રેસ્ક્યુ કરી લીધું હતું. સુરત ફાયર ટીમ દ્વારા ઉતરાયણને લઈ પક્ષી બચાવવા માટે વિશેષ તૈયારી પણ કરી છે. ફાયર નીતિ દ્વારા વિશેષ પ્રકારની દોરીમાંથી પક્ષીને રેસ્ક્યૂ કરવા માટેની સ્ટીક બનાવી છે. જે 8થી 10 માળ ઉપર ફસાયેલા પક્ષીઓને પણ દોરી કાપીને રેસ્ક્યૂ કરી શકાય તે પ્રકારની બનાવવામાં આવી છે. આજ સાધનનો ઉપયોગ કરીને 13 માળના હાઈરાઇઝ બિલ્ડીંગ વચ્ચે દોરીમાં ફસાયેલા અને તરફડિયા મારતા કબૂતરને બચાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત નાનપુરા બહુમાળી બિલ્ડીંગની પાછળ પણ પક્ષી ફસાયું હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે ત્યાંથી પણ આ જ રીતે પક્ષીનું રેસ્ક્યુ કર્યું હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.