કન્ટેઈનરની અછત:ચાઈનીસ લૂમ્સનાં ભાડાંં 5 ગણાં થઈ ગયાં

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 60 દિવસે આવતા મશીનો હવે 6 મહિને આવવા માંડ્યાં

કન્ટેઈનરની અછતને પગલે વિદેશમાંથી વસ્તુઓ ઈમ્પોર્ટ કરવાનાં ભાડાંંમાં 500 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. સુરતમાં ચાઈનાથી લૂમ્સના મશીનો મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે, જેના પર ભાડાં વધારાને કારણે અસર થઈ રહી છે. ચાઈનાથી મશીન ઈમ્પોર્ટ કરવાનું ભાડું 500 ડોલર પરથી હવે 2500 ડોલર થઈ ગયું છે.

લૂમ્સના મશીનોમાં થોડાં થોડાં સમયે નવી ટેકનોલોજી આવતી હોય છે, જેના કારણે સુરતના વીવર્સ નવી ટેક્નોલોજી વિક્સાવવા માટે નવા મશીનો વસાવતા હોય છે. ખાસ કરીને વોટરજેટ, એરજેટ અને રેપિયર મશીનોનો ઉપયોગ કાપડ બનાવવામાં થતો હોય છે. આ તમામ મશીનો મોટાભાગે ચાઈનાથી જ આયાત કરાતા હોય છે.

કોરોનાની બીજી લહેર બાદ પણ શહેરના વીવર્સે ચાઈનાની કંપનીઓને મશીનોના ઓર્ડર આપ્યા હતા, પરંતુ કોરોનામાં ઘણાં દેશોમાં લોકડાઉનને કારણે કન્ટેઈનર્સ ફસાઈ જતાં નોંધપાત્ર અછત સર્જાતી જોવા મળી રહી છે, જેના કારણે વિદેશમાંથી મશીનો આયાત કરવાનાં ભાડાંમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ચાઈનાથી એક મશીન ઈમ્પોર્ટ કરવા માટે 500 ડોલર ભાડું હતું તે હવે 2500 ડોલર પર પહોંચી ગયું છે. જેના કારણે વીવર્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે મશીનોની ડિલિવરી પણ મોડી પડી રહી છે. પહેલાં ડિલિવરી 60 દિવસ સુધીમાં થઈ જતી હતી, જે હવે 6 મહિને થઈ રહી છે.

ઘણા દેશોના લોકડાઉનને કારણે અસર
કોરોનાકાળમાં અનેક દેશોમાં લોકડાઉન હતું પરંતુ અમુક દેશોમાં હજી પણ લોકડાઉન છે ત્યારે તે દેશમાં કન્ટેઈનર્સ ફસાઈ જવાને કારણે કન્ટેઈનર્સની અછત પડી રહી છે. જેના કારણે વિદેશમાંથી ઈમ્પોર્ટ કરતાં લોકોને વધારે ભાડું આપવાની ફરજ પડી રહી છે.’ > મયૂર ગોળવાળા

અન્ય સમાચારો પણ છે...