ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું. સુરતમાંથી બે પક્ષના પક્ષપ્રમુખે રાજકીય ચોકઠાં ગોઠવ્યાં.જેમાં ભાજપમાંથી સી.આર.પાટીલ અને આપમાંથી ગોપાલ ઈટાલિયાએ એડિચોટીનું જોર લગાવ્યું. બીજી બાજુ ત્રિપાંખિયો જંગ સુરતની વરાછા બેઠક પર થયો. જેથી સૌથી વધુ આ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી. પરંતુ નરેન્દ્ર મોદીની મતદાન અગાઉની એ 17 કલાક કામ કરી ગઈ. જેના કારણે ભાજપને સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠક મેળવવામાં સફળતા મળી છે. કોંગ્રેસની એક માત્ર માંડવી બેઠક પણ ભાજપે ઝૂટવી લઈને મજબૂત ગઢ ધરાશાયી કર્યો છે.
મોદીના રોડ શોએ ચિત્ર પલટ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી નવેમ્બરની સાંજે સુરત ખાતે આવ્યા અને રોડ શો કર્યો હતો. સુરતની આઠ બેઠકોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પસાર થયો હતો. રોડ શોનું વડાપ્રધાનનું કોઈ જ આયોજન નહોતું. તેમ છતાં લોકોની ભીડ સ્વયંભૂ ઉમટી પડતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ શો કરવો પડ્યો હતો. સભાને દોઢેક કલાક કરતાં વધુ સમય હોલ્ટ રાખીને લોકોનું અભિવાદન રોડ શોના સ્વરૂપે મોદીએ કર્યું હતું.
17 કલાકમાં ચિત્ર પલટયું
વરાછા બેઠક પર ત્રિપાંખિયો અને ખાસ આપનું જોર હતું. જેથી વડાપ્રધાને મોટા વરાછા વિસ્તારમાં સભાને સંબોધિત કરી હતી. જેથી મોટા વરાછા અને વરાછા વિસ્તારના લોકોના માનસને છેલ્લી ઘડીએ મોદીએ પલટયું હતું. સાથે જ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.જેમાં રાત્રિના સમય દરમિયાન સુરતના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી સાથે જ વીડિયો કોલ અને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું.
કેજરીવાલનો ગજ ન વાગ્યો
સુરતમાં આપ દ્વારા એડિચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા સમગ્ર ગુજરાતની ચૂંટણીમાં સૌથી વધુ મહેનત સુરતમાં કરવામાં આવી હતી. સુરતમાં પણ ખાસ કરીને કેજરીવાલની સભાઓ તેમના કોર્પોરેટર જે બેઠકમાં છે ત્યાં જ કરવામાં આવી હતી. કેજરીવાલના 3 રોડ શો અને 5 સભાઓ પાટીદાર પ્રભુત્વ અને આપના પ્રભુત્વ વાળી કતારગામ, વરાછા, કરંજ અને કામરેજ વિસ્તારની બેઠકમાં જ કરવામાં આવી હતી.પરંતુ કેજરીવાલની ગેરન્ટીઓ કે ઈમોશનલ અપીલને લોકોએ સ્વીકારી નહોતી.
રાહુલ ગાંધીની સભા કોંગ્રેસને ન ફળી
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા સાયલન્ટ પ્રચાર કરાતો હોવાનું કહેવામાં આવતું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણીમાં કોઈ જ રીતે ભાગ ન લઈ રહી હોય તેવું જોવા મળ્યું હતું. કોંગ્રેસના સર્વે સર્વા કહેવાતા રાહુલ ગાંધી દ્વારા સુરતના બારડોલી વિસ્તારમાં એક જ સભા કરવામાં આવી હતી. જો કે તેમ છતાં બારડોલીમાં કે અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસને કોઈ જ સફળતા મળી નથી.
પાટીદારો ભાજપ સાથે રહ્યાં
પાટીદારો માટે એવું કહેવાતું હતું કે, ભાજપથી નારાજ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડીને આપ સાથે જોડાઈ ગયાં હતાં. જેથી પાલિકાની ચૂંટણીમાં આપને 27 જેટલી બેઠકો મળી હતી. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં 2017માં પણ સુરતની 12 બેઠકો પર ભાજપ જીત્યું હતું. એ જ રીતે આ વખતે પણ ભાજપને 12 બેઠકો મળી છે. ત્યારે પાટીદારો વિધાનસભામાં ભાજપથી વિમુખ ન રહેતાં હોવાનું પણ સામે આવ્યું છે.
AAP-PAASના જોડાણે બેઠક ન અપાવી
પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) સુરતના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા હતા. જેના પગલે સુરત શહેરમાં પાટીદારોનો યુવા ચહેરો ઊભરી આવ્યો અને પાટીદાર યુવાનો AAP તરફ જતા દેખાઈ રહ્યા હતાં. AAPમાં PAASની ટીમ આવી ગયા બાદ વરાછા સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભાજપની પકડ ઢીલી પડી રહી હતી. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જે 27 બેઠકો AAPને મળી તેની પાછળ PAASની સૌથી મોટી ભૂમિકા હતી. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનાં સૂંપડાં સાફ થઈ ગયાં હતાં અને AAPને 27 બેઠકો મળતાં તે મજબૂત રીતે વિપક્ષમાં બેઠી હતી. જો કે આપ અને પાસનું જોડાણ થયું હોવા છતાં સુરતમાં આપને કોઈ ફાયદો ન થયો પરંતુ ઉલટાનો ભાજપને લીડ વધુ અપાવી ગઈ.
આ 6 સીટ પર પાટીદારનો પ્રભુત્વ
દક્ષિણ ગુજરાતમાં 6 પાટીદાર સીટો પર પાટીદારોનો પાવર ઘટ્યો હોય તેવો માહોલ બન્યો હતો. આ સાથે જ આદિવાસી સીટો પર રેકોર્ડબ્રેક મતદાન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં 7 મંત્રી અને 4 પૂર્વ મંત્રી સાથે 13 સિટીંગ ધારાસભ્યો પણ ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં 2017માં જે મતદાન થયું હતું તેમાં મોટો ઉલટફેર સર્જાઈ તેવી શક્યતા હતી. પરંતુ તેમ છતાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે.
આ બેઠકોના ઉમેદવારો પર સૌની નજર હતી
સુરતની 16 બેઠકો પર સૌથી વધુ રસાકસી કતારગામ અને વરાછા બેઠકની સાથે સાથે સુરત પૂર્વ બેઠક પર પણ સૌની નજર હતી. સાથે જ સુરતમાંથી રાજ્ય કક્ષાના મંત્રીઓ લડી રહ્યાં હતા. જેથી તેના પર પણ મીટ મંડાયેલી હતી. પરંતુ સમગ્ર રાજ્ય અને દેશી નજર વરાછા બેઠક પર હતી. અહિં ત્રિપાંખીયા જંગ લડાયો હતો. જેમાં આપમાંથી અલ્પેશ કથીરિયા અને ભાજપમાંથી કુમાર કાનાણી વચ્ચેની રસાકસીમાં કાનાણીએ મેદાન માર્યું છે.
માંડવીનો ગઢ ધરાશાયી
સુરત જિલ્લાની માંડવી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ માંડવીની બેઠક જાળવી રાખી હતી. જો કે 2022ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. કોંગ્રેસના આ વિસ્તારમાં આદિવાસી મતદારો મહત્તમ સંખ્યામાં હોવા છતાં પણ આદિવાસી મતદારોમાં ભાજપે ગાબડું પાડીને કોંગ્રેસના ગઢને ધરાશાયી કર્યો છે.
આપના મોટા માથા હાર્યા
સુરતમાં આપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડ્યાં હતાં. જ્યારે પાસમાંથી આપમાં આવેલા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા પણ ચૂંટણી લડ્યાં હતાં. રામ ધડૂક અને મનોજ સોરઠિયા જેવા નેતાઓ પણ આપમાંથી સુરતની બેઠકો માટે મેદાનમાં ઉતર્યાં હતાં. જેથી આપના આ નેતાઓ પોતાની જ બેઠકો પર મતદારોને રિઝવવા માટે મથામણ કરી રહ્યાં હતાં. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપને એન્ટી ઈન્ક્મબન્સી ન નડી
ભાજપને સુરતમાં એન્ટી ઈન્કમબન્સીનો ડર હતો. જેથી માત્ર કામરેજની બેઠકના ઉમેદવાર રિપીટ કરાયા નહોતા. જો કે ચોર્યાસી બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને બદલીને સંદીપ દેસાઈને ટિકિટ આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં. આ સિવાયના તમામ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યાં હતાં. ભાજપે ખતરો લઈને ઉમેદવારોને રિપીટ કર્યા હતાં. પરંતુ તમામ ઉમેદવારો જીતી ગયાં હતાં.
ભાજપને હિન્દુત્વનો મુદ્દો ફળ્યો
ભાજપે ફરીથી હિન્દુત્વ અને રામમંદિરનો મુદ્દો આ ચૂંટણીમાં ઉઠાવ્યો હતો. સુરતમાં બે વખત યોગી આદિત્યનાથની સભાઓ યોજવામાં આવી હતી. વરાછામાં યોગી આદિત્યનાથનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. યોગી આદિત્યનાથે હિન્દુત્વનો અને રામમંદિરનો મુદ્દો ઉછાળ્યો હતો.
ભાજપની પેજ મેનેજમેન્ટ સફળ રહ્યું
ભાજપમાં પેજ પ્રમુખની સિસ્ટમ લાવનાર સી.આર.પાટીલ સુરતના જ છે. ત્યારે સી.આર.પાટીલે ઐતિહાસિક જીત માટે અગાઉથી જ તૈયારી કરી હતી. પાયાના મુદ્દાઓ તેમણે શોધ્યા હતાં. જેમાં પેજ અને બૂથ મેનેજમેન્ટ અંગે તેમણે પહેલા દિવસથી તૈયારી કરી હતી. આ જીત બાદ તેમની આ ફોર્મ્યુલા કામ કરી ગઈ હોવાનુ સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
વિકાસનો મુદ્દો સ્પર્શી ગયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સભા કરીને સુરતના ઈન્ફ્રાસ્ટ્ર્કચરના ભરપેટ વખાણ કર્યાં હતાં. સાથે જ સુરતમાં થતાં વિકાસના કાર્યો અંગે પણ વાતો કરી હતી. સાથે જ કોંગ્રેસ દ્વારા વિકાસના કામોમાં નખાતા રોડા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. વિકાસના કામોનો મુદ્દો લોકોને સ્પર્શી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
કતારગામ વિધાનસભા બેઠક
કતારગામ વિધાનસભા બેઠક વરાછા બાદ સૌથી વધુ ચર્ચામાં હતી. તેનું કારણ હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પોતે ચૂંટણીમાં ઝંપલાવ્યા હતા. બોટાદથી ચૂંટણી લડવાને બદલે તેમને સુરતમાં કતારગામની બેઠકને પસંદ કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયા જબરજસ્ત માહોલ ઊભો કર્યો. ચૂંટણી સભાઓ પણ ગજવી, સભામાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા. પરંતુ તે વોટમાં પરિણમી શક્યા નહીં. ગોપાલ ઇટાલિયાએ હિંદુ ધર્મને લઈને અને સાધુ સંતોને લઈને જે વાતો ભૂતકાળમાં કરી હતી. તેનું નુકસાન તેમને આજે ભોગવવું પડ્યું છે. કતારગામ વિસ્તારની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ખૂબ જ મોટો છે. તે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે. આમ આદમી પાર્ટી તો ઠીક પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા જે હિંદુત્વને નિશાના પર લેવામાં આવ્યું હતું. તેને કારણે સંતોએ પણ પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે પરોક્ષ રીતે સંપૂર્ણ મદદ કરી છે. ગોપાલ ઇટાલિયાની કારમી હાર બાદ ભારતીય જનતા પાર્ટીમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. વિનુ મોરડિયા ઉપર પોતાના વિસ્તારમાં ભ્રષ્ટાચારને લઈને અનેક વાતો ફરતી હતી. કેટલીક અંશે નારાજગી પણ જોવા મળતી હતી પરંતુ આખરે તેઓ ભાજપના સિમ્બોલ ઉપર જીતી ગયા છે.
કામરેજ વિધાનસભા બેઠક
કામરેજ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીએ ફરી એક વખત રામ ધડુકને પોતાનો ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને વર્તમાન ધારાસભ્યને બદલીને પ્રફુલ્લ પાનશેરિયાને ટિકિટ આપી હતી. પાટીદાર પ્રભુત્વ વાળી આ બેઠક ઉપર પણ પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ઉમેદવારને આમ આદમી પાર્ટી કરતા પણ ખૂબ ઓછા મત મળ્યા છે. આવી સ્થિતિમાં એક વાત તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસને સંપૂર્ણ રીતે કામરેજ બેઠકો પરથી જાકારો મળી ગયો છે.
ઓલપાડ વિધાનસભા બેઠક
આમ આદમી પાર્ટી સુરતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠક ઉપર જે રીતે ચર્ચામાં રહી હતી. તેમાં સૌથી ખરાબ પ્રદર્શન ઓલપાડ બેઠક ઉપર જોવા મળ્યું છે. પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના ચહેરા એવા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ત્રિપાખ્યો જંગ થાય તેવી શક્યતા હતી. પરંતુ શહેરમાં આવતા મતદારો પૈકી પણ આમ આદમી પાર્ટીને મત મળ્યા ન હતા. મુકેશ પટેલ ભાજપના ઉમેદવાર હતા તેમણે પોતાના મતવિસ્તારના મત જાળવી રાખ્યા. મુકેશ પટેલને લઈને ગામડાઓમાં વિરોધ હોવાનો માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પરિણામ જોતા મુકેશ પટેલ પણ કોઈપણ મુશ્કેલી વગર જીતી ગયા છે. આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકએ ખૂબ મહેનત કરીને માહોલ બનાવ્યો હતો. પરંતુ તેઓ પરિણામમાં ફેરવી શક્યા નહીં. કેટલાક ગામડાના કમિટેડ કોંગ્રેસના મત સિવાય દર્શન નાયક પણ વધુ કંઈ કરી શક્યા નથી.
કરંજ બેઠક
કરંજ બેઠકો પર પાટીદારોની સાથે સાથે ઓબીસી તેમજ અન્ય સમાજના મતદારો હતા. આ બેઠકો પર પ્રવીણ ઘોઘારીને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા. બીજી તરફ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ઉપર ખૂબ ઓછું મતદાન થયું હતું. જેના કારણે પરિણામ કોના પક્ષે જશે તે કેવું થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર પણ ભગવો લહેરાવી દીધો છે. મનોજ સોરઠીયા આ વિસ્તારમાં વધુ જાણીતો ચહેરો ન હતો પરંતુ ઝાડુંના સિમ્બોલ ઉપર મત મળી જશે તેવી વિચારધારા સાથે ઝંપલાવ્યા હતા. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ પુરવાર થયા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર મહિલા ઉમેદવાર તરીકે ભારતી પટેલને મેદાનમાં ઉતારવામાં આવી હતી. પરંતુ માત્ર પાર્ટી ફંડ એકત્રિત કરવાની માનસિકતા સાથે તેઓ અહીં લડ્યા હતા. માંડ ભારતીય કરંજ બેઠકો ઉપર ત્રીજા નંબરે રહ્યા હતા.
સુરત ઉત્તર બેઠક
સુરત ઉત્તર બેઠક ઉપર પાટીદારની સાથે મૂળ સુરતી મતદારોનો પણ પ્રભાવ ખૂબ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંતિ બલરને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કાંતિ બદર આ વિસ્તારમાં કોઈ વધુ કામો કર્યા હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. પરંતુ તેમની સ્વચ્છ છબી અને પાટીદાર ઉદ્યોગપતિઓની ભલામણને કારણે તેમને ટિકિટ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા મેદાનમાં હતા. પરંતુ તેમનો પણ કારમો પરિચય થયો છે અને કોંગ્રેસ તો કોઈ પણ જગ્યાએ લડકી દેખાઈ ના હોય તે રીતનો માહોલ સુરત ઉત્તર બેઠક ઉપર જોવા મળ્યો હતો. અશોક અધેવાડા નબળા ઉમેદવાર પુરવાર થયા છે.
સુરત પૂર્વ વિધાનસભા બેઠક
સુરત પુરવા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અરવિંદ રાણાને ફરીથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. આશ્ચર્યજનક રીતે અરવિંદ રાણાની પસંદગી થયા બાદ આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવાર અસલમ સાયકલ વાળાને ટિકિટ આપી હતી. આ બેઠક ઉપર મુસ્લિમ મતદારો ખૂબ મોટી સંખ્યામાં હોવાને કારણે અરવિંદ રાણાને ખુબ સારી ટક્કર આપી છે. ભારતીય જનતા પાર્ટીને આ બેઠક થોડી મુશ્કેલ જણાતી હતી. તેના કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને યેનકેન પ્રકારે ફોર્મ પરત ખેંચાવવામાં સફળ થઈ હતી. જો કંચન જરીવાલા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી હોત તો ભાજપ માટે આ બેઠક ઉપર મુશ્કેલી વધી શકે તેમ હતી. જોકે ભારતીય જનતા પાર્ટી કંચનજરીવાલાને બેસાડવામાં સફળ થતાં આ બેઠક ફરી એક વખત અરવિંદ રાણાએ જીતી લીધી છે. નિષ્ક્રિય ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ પણ અરવિંદ રાણા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા છે.
મજેરા વિધાનસભા બેઠક
આ બેઠક ઉપર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હતા. મજૂરા વિધાનસભા એ ખૂબ જ પોશ વિસ્તારમાં આવતી વિધાનસભા છે. મૂળ રાજસ્થાની,જૈન અને પરપ્રાંતીય મતદારોની આ બેઠકો પર હર સંઘવી ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારે લીડથી જીતે તેવી પૂર્ણ શક્યતા પણ હતી તેમની સામે ખૂબ જ નબળા ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યા હતા. બળવંત જૈન કોંગ્રેસના એવા નિષ્ક્રિય અને નિષ્ફળ ઉમેદવાર હતા કે તેઓ પોતે બુથ ઉપર પોતાના માણસો પણ બેસાડી શક્યા ન હતા. ચૂંટણી લડવા પહેલા તેઓ હર્ષ સંઘવી સામે પોતાની હાર સ્વીકારી લીધી હતી. આમ આજની પાર્ટી એ અંતિમ દિવસોમાં પીવીએસ શર્માને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા પરંતુ તેમની ડિપોઝિટ પણ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ચોર્યાસી વિધાનસભા બેઠક
ભાજપે ઇતિહાસમાં પહેલી વખત કોળી પટેલને બદલે આ વખતે સંદીપ દેસાઈને 84 વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ઝંખના પટેલ કોળી સમાજમાંથી આવતા હોવા છતાં પણ તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેનાથી આંતરિક રોષ કોળી પટેલ સમાજમાં જોવા મળ્યો હતો. સંદીપ પટેલની છબી પણ સારી ન હોવા છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી અને આ બેઠક ખૂબ જ સિક્યોર માનવામાં આવે છે. કોઈપણ ઉમેદવાર ઊભા રહે માત્ર લોકો ભાજપના સિમ્બોલ ઉપર જ મતદાન કરે છે આમ આદમી પાર્ટીનો ખૂબ જ નબળો ઉમેદવાર અહીં પુરવાર થયો છે.
સુરત ઉધના બેઠક
સુરત ઉધના બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય વિવેક પટેલને બદલે મનુ પટેલને ટિકિટ આપી હતી. મનુ પટેલને ટિકિટ આપતા ભાજપમાં જ આશ્ચર્ય ફેલાવ્યું હતું પરંતુ એકવાર ટિકિટ અપાવી દીધા બાદ ભાજપને જીતવા માટે સંગઠન કામે લાગી જતું હોય છે. એવી જ રીતે મનુ પટેલને ભાજપના સંગઠનના કારણે વિજય મળ્યો છે તેઓની પોતાની કોઈ પણ ક્ષમતા નથી કે તેઓ ધારાસભ્ય બની શકે. કોંગ્રેસના સિનિયર નેતા ધનસુખ રાજપુત કોંગ્રેસનો ઉમેદવાર હતા પરંતુ તેઓ પરપ્રાંતીય મતદારોને બાદ કરતાં વધુ મતો મેળવી શક્યા ન હતા.
સુરત લિંબાયત વિધાનસભા બેઠક
લિંબાયત બેઠક ઉપર સંગીતા પાટીલને ફરીથી રીપીટ કરવામાં આવ્યા હતા. સંગીતા પાટીલને લઈને આંતરિક ખૂબ રોષ જોવા મળતો હતો અને સમયાંતરે તે બહાર પણ આવતો હતો. પરંતુ લોકસભા મતવિસ્તારમાં આવતી લિંબાયત વિધાનસભાએ સી આર પાટીલનો ગઢ માનવામાં આવે છે પાટીલ મતદારોનું ખૂબ પ્રભુત્વ છે અને સંગીતા પાટીલની પોતાની એવી કોઈ મોટી કામગીરી ન હોવા છતાં પણ સી આર પાટીલે આ બેઠક ઉપર સંગઠન કામે લગાડ્યું હતું અને પરિણામે સંગીતા પાટીલનો વિજય થયો છે. મજેરા વિધાનસભા બેઠકની માફક જ લિંબાયત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાણે પહેલાથી જ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવી રીતે ચૂંટણી લડ્યા હતા. ગોપાલ પાટીલ જેવા નબળા ઉમેદવારને કોંગ્રેસે પસંદ કરીને સંગીતા પાટીલનો વિજય પહેલાથી જ નક્કી કરી દીધો હતો.
સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક
શહેરની ભારતીય જનતા પાર્ટીનો ગઢ માની શકાય તેવી આ બેઠક છે. આ બેઠક ઉપર ભાજપનો વિજય પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવ્યો હતો . પૂર્ણેશ મોદીને ફરીથી રીપીટ કરવામાં આવ્યા હતા. પુણે જ મોદીને ટિકિટ ન મળે તેના માટે શેર સંગઠન દ્વારા પણ ખૂબ પ્રયાસો કરાયા પરંતુ અંતે પુણે જ મોદી પોતાને ટિકિટ લઈને આવ્યા અને જીતી પણ ગયા. આ બેઠક ઉપર કોંગ્રેસે સંજય પટવા ને ટિકિટ આપી હતી જેવો આયાતી ઉમેદવાર હતા. આવો ઉમેદવાર પણ માત્ર ને માત્ર પાર્ટી ફંડ માટે ચૂંટણી લડ્યા હોય તેવી સ્થિતિ સમગ્ર શહેરભરમાં લાગી હતી. આમ આદમી પાર્ટી નો પ્રચાર પ્રસાર લગભગ શૂન્ય હતો અને ભારતીય જનતા પાર્ટી ફરીથી કમળના સિમ્બોલને કારણે જીત મેળવવામાં સફળ રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.