વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે.
અલથાણ ચાર રસ્તા નજીકની ઘટના
વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા અને મૂળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(37) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુખાવો થતાં તેમણે બસ સાઈડમાં ઊભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સૂઈ ગયા હતા. સુપરવાઈઝરે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.
તબિયત ખરાબ થતાં બસ કંટ્રોલ કરી
BRTS સેલના ઈન્ચાર્જ અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે સોમેશ્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતાં તેણે બસ કંટ્રોલ કરી સાઈડમાં લઈ લીધી હતી. ત્યાર બાદ ડ્રાઈવરનું મોત થયું હતુ.
હૃદયરોગનો હુમલો થયો હોવાની શક્યતા
પોસ્ટમોર્ટમ કરનાર સીએમઓ ડો.ચીરોંજીલાલ ઘિયાએ જણાવ્યું હતું કે મૃતકે મોત પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેથી હાર્ટ-અટેકને કારણે મોત થયું હોવાની શક્યતા લાગે છે. હાલ મૃતકના વિસેરાનાં સેમ્પલ લીધાં છે, એનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.