2020માં ઉપરવાસમાં ભારે વરસાદથી મીઠીખાડી ઓવરફલો થતા પરવત ગામ, મગોબ સહિતના વિસ્તારના 5 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ખાડીપૂર રોકવા જીવન જ્યોત સોસાયટી પાસેના નાના ખાડી બ્રિજથી લઇને આશીર્વાદ માર્કેટ મગોબ સુધી 6.6 કિ.મીમાં ખાડી ડ્રેજીંગ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી.
જો કે, આ કામનું ટેન્ડર સ્ટેન્ડીંગ કમિટીએ એક જ વર્ષમાં બીજીવાર દફતરે કર્યું છે. એક ઝોનમાં ખાડી ડ્રેજીંગનું કામ માત્ર 37 લાખમાં થઇ જાય છે તો 10 કરોડનો ખર્ચ શા માટે? એવું કારણ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલે આપ્યું છે. જો કે, 37 લાખમાં કેટલી લંબાઇમાં ખાડીનું ડ્રેજીંગ તથા પ્રતિ ઘનમીટર ખર્ચ કેટલો?
એની માહિતી ચેરમેન પાસે નથી અને કામ દફતરે કરી દીધું છે. આ ડ્રેજીંગ માટે પ્રતિઘનમીટર રૂા.411ના ભાવ મુજબ 1.68 લાખ ઘનમીટર માટે રૂા. 6.92 કરોડ અને ડ્રેજીંગ મટીરીયલ ટ્રાન્સપોર્ટેશન માટે 3.78 કરોડ મળી 10.32 કરોડનું ટેન્ડર મંજૂરી માટે આવ્યું હતું. આ ટેન્ડર દફતરે કરાયું છે.
ચોમાસામાં ખાડીપૂર આવવાની શક્યતા
પર્વતપાટિયા માધવબાગ સોસાયટી પાસેનો ખાડીબ્રિજ તોડીને તેની જગ્યાએ કરોડો રૂપિયાનો બ્રિજ પાલિકા બનાવવા જઇ રહી છે, પરંતુ બ્રિજ બાંધવાથી ખાડીપૂરની સમસ્યા હલ થશે નહિં. આ માટે ખાડીનું ડ્રેજીંગ કરવું જરૂરી છે. 2020ના ખાડીપૂરના 2 વર્ષ પછી પણ આ ખાડી ડ્રેજીંગ ન કરાતા ચોમાસામાં ખાડીપૂરની સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.