ફાધર્સ ડે:તબીબ પિતાને કોરોના થયો છતાં પુત્રએ પહેલાં કોવિડ ડ્યુટી નિભાવી બાદ મુંબઈ મળવા ગયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. અશોક શાહ - Divya Bhaskar
ડો. અશોક શાહ
  • મહામારીમાં તબીબ પિતા-પુત્રની જોડીએ 15 હજાર દર્દીની સારવાર કરી

કોરોનાકાળમાં તબીબ પિતાને કોરોના થયો તેમ છતાં પુત્રએ પહેલાં કોવિડ ડ્યુટી નિભાવી બાદ હોસ્પિટલમાં દાખલ પિતાને મુંબઈ મળવા ગયા હતા. પિતા-પુત્ર બંનેએ 15 હજાર કોવિડના દર્દીની સારવાર કરી છે.

શહેરના ડો.અશોક શાહ અને ડો.આલોક શાહ એટલે પિતા-પુત્રની જોડી. ડો.અશોક શાહની ઉંમર 65 વર્ષની છે. જેઓ ફિઝિશ્યન જ્યારે ડો.આલોક શાહ ફિઝિશ્યન અને ઈન્ટેન્સિવ કેર સ્પેશ્યાલિસ્ટ છે જે શહેરની ખાનગી હોસ્પિટલમાં હેડ ઓફ આઈસીયુ અને ચીફ કોવિડ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.

ફરજ પૂર્ણ કરી પિતા પાસે ગયો
ડો.આલોક શાહે જણાવ્યું હતું કે, અમારા ઘરમાં કંઈપણ થઈ જાય દરેક વ્યક્તિ સાથે જ ડિનર કરીએ છીએ. પરંતુ કોવિડ વખતે 17 દિવસ એવા હતા કે હું પિતાને મળી શક્યો ન હતો. પિતા પોઝિટિવ આવ્યા ત્યારે તેમને મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. એડમિટ કર્યા ત્યારે મારી ડ્યુટીને કારણે શરૂઆતમાં ત્યાં જઈ શક્યો ન હતો. મારી ડોક્ટર તરીકેની ફરજ પૂર્ણ કરી હું પિતા પાસે ગયો હતો. તેમને કોવિડમાં એમઆઈએસની સમસ્યા પણ થઈ હતી. તેઓ 7 દિવસ આઈસીયુમાં હતા. એ દિવસ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો કારણકે તેમની બચવાની શકયતા ઓછી હતી.

પુત્રની ડ્યુટી વખતે હું ચિંતિત હતો
ડો. અશોક શાહે જણાવ્યું હતું કે, હું અને મારો પુત્ર રોજ સવારે ચાય પે ચર્ચા કરીએ છીએ. જેમાં કોવિડને લગતી કે બંને દર્દીને લગતી વાતો કરીએ છીએ. પુત્ર યુવાન અને મારા કરતા અપગ્રેડેટ છે તેથી મને કોઈ મુશ્કેલી હોય તો હું એને પુછું છું. અમારો નિયમ છે કે રોજ રાત્રે સાથે જ જમવું. તેથી અમે રોજ એકબીજા માટે રાહ જોતા. એ કોવિડમાં ડ્યુટી કરતો હતો ત્યારે મને તેમની વધારે ચિંતા રહેતી કારણકે તે મારાથી વધારે દર્દી જોતો હતો. રોજ તે ઘરેથી નીકળતો ત્યારે હું એકજ સલાહ આપતો કે સાચવજે. હું બિમાર હતો ત્યારે તેણે જે રીતે મારી સંભાળ રાખી છે એ એક મિસાલ જ કહી શકાય. તેના માટે મારી પાસે શબ્દ નથી.

અન્ય સમાચારો પણ છે...